- માધાપર પાસેથી કરોડોની જમીન હડપ કરવાનો કારસો રચનાર સામે લેન્ડ ગ્રેબિંગનો નોંધાતો ગુનો
- સુરતના રિલાયન્સ કંપનીના એન્જિનિયર વૃદ્ધે પોલીસમાં નોંધાવી ફરિયાદ
રાજકોટમાં વધુ એક વાર કરોડોની જમીન પચાવી પડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જેમાં સુરતમાં અડાજણમાં રહેતા અને રિલાયન્સ કંપનીના એન્જિનિયરએ ગાંધીગ્રામ પોલીસમાં ચાર સામે બોગસ દસ્તાવેજ બનાવી જમીન પડાવી લેતા તેને ફરિયાદ નોંધાવી છે. પોલિસે ફરિયાદ આધારે ચાર સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.
મળતી માહિતી મુજબ સુરત ખાનગી પેઢીમાં નોકરી કરતા મુકેશભાઇ રવિશંકર જાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની રાજકોટના માધાપર ગામે બિનખેડાણ વાળો વારસાઇ પ્લોટ આવેલો છે.દરમિયાન આ કિંમતી પ્લોટ પર ભૂમાફિયા મધુકાંત મોહનલાલ શાહે ડોળો જમાવી 2019માં ખોટું કુલમુખત્યારનામું બનાવ્યું હતું. અને અલ્તાફહુશેન સૈયદને દસ્તાવેજ કરી આપી વેચાણ કરવા માટે કાવતરું ઘડી મૃતક પિતા અને મોટાબાપુના બોગસ આધારકાર્ડના આધારે તા.16-1-2020માં નવો દસ્તાવેજ બનાવ્યો હતો. જેમાં પિતા, મોટાબાપુ ગુજરી ગયા હોય અને તેમને જીવિત બતાવી દસ્તાવેજમાં સાક્ષી તરીકે બતાવ્યા હતા. તેમાં બોગસ સહી યોગેન્દ્રસિંહ ઝાલા અને ઇકબાલ જુણાચે કરી પોતે ઓળખતા હોવાની વિગતને સમર્થન આપ્યું હતું.
આમ દસ્તાવેજ કર્યા હોવાની જાણ થતાં અને તેને ખરા તરીકે ઉપયોગ કરી ખુલ્લા પ્લોટનું વેચાણ કરી જમીન ફરતે દીવાલ બનાવી પચાવી પાડી હતી. આ બનાવની 2019માં જાણ થયા બાદ કલેક્ટર તંત્રમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે અરજી કરી હતી. જેના આધારે કલેક્ટર તંત્રે બનાવની તપાસ કરી હતી.
તેમાં ઉપરોક્ત ભૂમાફિયાઓએ કૌભાંડ આચર્યાનું ખૂલતા પોલીસને લેન્ડ ગ્રેવિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા આદેશ કર્યો હતો. આદેશને પગલે માલવિયાનગર પોલીસે મુકેશભાઇની ફરિયાદ પરથી ચારેય ભૂમાફિયા મધુકાંત મોહનલાલ શાહ, અલ્તાફહુશેન આબીદહુશેન સૈયદ, યોગેન્દ્રસિંહ ભીખુભા ઝાલા, ઇકબાલ ઇસા જુણાચ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.