હત્યા પાછળનું સાચુ કારણ અને ઓળખ પરેડ માટે રિમાન્ડ પર લેવાશે: હત્યામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી લેવા સઘન પૂછપરછ
ઇન્દિરા સર્કલ પાસે જસદણના કાઠી યુવાનને છરીના ૧૮ જેટલા ઘા ઝીંકી હત્યાના ગુનામાં સંડોવાયેલા બે પોલીસમેન સહિત ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે ઝડપી હત્યા પાછળ સાચુ કારણ અને ઓળખ પરેડ માટે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ રહેતા કુલદીપભાઇ ખવડ નામના કાઠી યુવાનની સામું જોવા અને મોટા અવાજ સાથે દાંત કઢવાના પ્રશ્ર્ને થયેલી બોલાચાલીના કારણે હત્યા અને તેની સાથે રહેલા અભિલવ ખાચર પર ખૂની હુમલાની ગાંધીગ્રામ પોલીસમાં પોલીસમેન વિજય ડાંગર, અર્જુનસિંહ ચૌહાણ અને હિરેન ખેરડીયાની ફરિયાદ નોંધાવી હતી.
ગાંધીગ્રામ પી.આઇ. વી.વી.ઓડેદરા, પી.એસ.આઇ. ભટ્ટ અને હેડ કોન્સ્ટેબલ રાહુલભાઇ વ્યાસ સહિતના સ્ટાફે હત્યા અને હત્યાની કોશિષમાં સંડોવાયેલા બાલાજી હોલ પાસે રહેતા અર્જુનસિંહ શત્રુગ્નસિંહ ચૌહાણ, શ્રીનાથજી સોસાયટી માં રહેતા અને ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા હિરેન સુરેસ ખેરડીયા, રૈયા રોડ અક્ષર પાર્કમાં રહેતા પ્ર.નગરના પોલીસમેન વિજય રાયધન ડાંગર અને ન્યુ રાજદીપ સોસાયટીમાં રહેતા પાર્થ શૈલેષ દોશી નામના શખ્સો જામનગર રોડ પર બાઘી ગામના પાટીયા પાસેથી ઝડપી લીધા છે.
હત્યા થઇ ત્યારે બંને પોલીસમેન ફરજ પર હતા કે કેમ, હત્યા પાછળનું સાચુ કારણ બહાર લાવવા, મામલતદાર સમક્ષ ઓળખ પરેડ કરાવવા અને હત્યામાં અન્ય કોણ સંડોવાયું છે તે અંગેની પૂછપરછ માટે રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે.