ધોકા, પાઈપ અને પટ્ટાથી માર મારી શરીરે બીડીના ડામ પણ દીધા: હોસ્પિટલના બિછાનેથી ઈજાગ્રસ્તની ફરિયાદ પરથી ગુનો નોંધતી પોલીસ: હુમલાખોરોને પકડવા પોલીસની કવાયત
શહેરના મવડી વિસ્તારની લાભદીપ સોસાયટીમાં રહેતા પ્રજાપતિ યુવાન પર પૂર્વ પ્રેમીકાના પતિ સહિત પાંચ શખ્સોએ ધોકા, પાઈપ, રબ્બરના પટ્ટાથી બેફામ ફટકારતાં ઈજાગ્રસ્ત યુવાનને કણસતી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. ઈજાગ્રસ્ત યુવાનની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને પકડવા કવાયત આદરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરની મવડી ચોકડી પાસેની લાભદિપ સોસાયટી-૬, “મોમાઈ કૃપા, આમ્રપાલી ફાટક પાસે, શ્રીહંસ સોસાયટીમાં રાત્રીના સવા અગિયાર વાગ્યે યોગેશ જમન ધોકીયા નામના ૨૦ વર્ષના યુવાન પર અમિત લાડવા, પરસોતમ લાડવા, મનિષ લાડવા અને અન્ય બે અજાણ્યા શખ્સોએ ધોકા, પાઈપ, રબ્બરના પટ્ટા વડે બેફામ ફટકાર્યો હતો. યોગેશને કણસતી હાલતમાં સરકારી એમ્બ્યુલન્સ ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
અહીં હોસ્પિટલ બિછાનેથી યોગેશે પોલીસને ચૌંકાવનારી વિગતો આપી હતી. યોગેશે કહ્યું કે, મંગળવારની રાત્રીના પોતે સુથારી કામ કરી આમ્રપાલી ફાટક પાસે કામ સબબ ગયો હતો. અહીંથી તેમના મિત્ર ભરતભાઈ ગાંગલીયાના બાઈક પર બેસી રૈયા રોડ તરફ ઘરે જવા નીકળ્યો હતો. આવા સમયે, રૈયા રોડ, હંસરાજનગર સોસાયટીમાં આઈસીઆઈસી બેંક પાસે અમિત લાડવા અને તેમના ભાઈ પારસ લાડવાએ બાઈક રોકાવી આંતરી બાઈકને ધક્કો મારતાં બન્ને મિત્રો પડી ગયા હતાં. આ સમયે ત્યાં ધોકા, પાઈપ અને પટ્ટા સાથે ધસી આવેલાં અમિતનો ભાઈ, મનિષ અને મોટાબાપુજી પરસોતમભાઈ લાડવા એમ બધા યોગેશ પર તૂટી પડતા યોગેશ રાડો પાડવા લાગ્યો હતો. માણસોના ટોળા એકત્ર થઈ જતાં તમામ હુમલાખોરો નાસી છૂટ્યાં હતા. કોઈએ પોલીસને ફોન કરી દેતા પોલીસે ઈજાગ્રસ્ત યોગેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો.
દુષ્કર્મના કેસમાં જામીન પર છૂટ્યો !
યોગેશે પોલીસને એવી પણ વિગતો આપી હતી કે, અમીત લાડવા સહિતના પરિવારજનોની અગાઉની ફરિયાદ પરથી તેમની (યોગેશની) સામે દુષ્કર્મનો ગુનો દાખલ થયો હતો. આ કેસમાં જામીન પર છૂટતા જ લાડવા બંધુઓએ તેમનાં પર હુમલો કર્યો હતો. હુમલા સમયે હુમલાખોરોએ યોગેશને શરીરે બીડીના ડામ પણ દેવાયાની પોલીસને વિગતો અપાઈ છે. શ્રીહંસ સોસાયટીમાં રહેતા હુમલાખોરો સામે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તમામની શોધખોળ આદરી છે.
હુમલો કરવા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત !
રાજકોટ: ઈજાગ્રસ્ત યોગેશે પોલીસને કહ્યું હતું કે, પોતાને અમિતની પત્ની સાથે પ્રેમ સંબંધનાં નાતે અગાઉ અંદાજે દોઢ મહિનો સુધી બન્ને નાસી ગયા હતા. આ વાતનું મન દુ:ખ રાખી અમિત સહિતના શખ્સોએ બેફામ માર માર્યો હતો.