હરી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની પેઢીના 14 પ્લોટ નાગરિક બેન્કમાં મોર્ગેજ કરી લોન મેળવી બારોબાર વેચી નાખી કૌભાંડ આચર્યુ
જસદણની હરીકૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની જીનીંગ મીલના સંચાલકે નાગરિક બેન્કમાં 14 પ્લોટ મોર્ગેજ કરી લોન મેળવ્યા બાદ હપ્તા ન કરી બારોબાર વેચી નાખી રૂા.3.51 કરોડનું કૌભાંડ આચર્યાની બેન્કના મેનેજરે મહિલા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણના કૈલાશનગરમાં રહેતા અને હરી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવતા મિલન રમેશ વઘાસીયા, સુજીત રમેશ વઘાસીયા, વિજયાબેન રમેશ વઘાસીયા અને રમેશ લાખા વઘાસીયાએ રાજકોટ નાગરિક સહકારી બેન્કમાંથી રૂા.2.50 કરોડની લોન લઇ હપ્તા ન ભરી બેન્ક સાથે છેતરપિંડી કર્યાની બેન્કના મેનેજર ભાર્ગવભાઇ ભરતભાઇ પારેખે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હરી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ નામની જીનીંગ મીલનો વ્યવસાય કરતા મિલન વઘાસીયાએ જસદણ ખાતે આવેલી રાજકોટ નાગરિક સહકારી બેન્કમાંથી કેસ ક્રેડિટથી લોન માટે કાર્યવાહી કરી હતી. રમેશભાઇ વઘાસીયાએ હરી કૃષ્ણ એન્ટરપ્રાઇઝ પેઢીના સંચાલક અને પોતાના પુત્ર મિલન વઘાસીયાને સર્વે નંબર 1257 પૈકી-5, પૈકી-2ના 47 બીનખેતી પ્લોટનું પાવર ઓફ એર્ટની આપી વહીવટ સોપ્યો હતો. તે મિલકતના વહીવટદાર દરજે મિલન વઘાસીયાએ બેન્કમાં મોર્ગેજ કરી રૂા.2.50 કરોડની કેશ ક્રેડિટ મેળવી હતી. બેન્કમાંથી સીસીલોન મળ્યા બાદ મિલન વઘાસીયાએ બેન્કમાં હપ્તા ન ભરી 47 પૈકીના 14 પ્લોટ બારોબાર વેચાણ કરી બેન્ક સાથે રૂા.3.51 કરોડની છેતરપિંડી કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જસદણ પી.આઇ. કે.જે.રાણા સહિતના સ્ટાફે હરી કૃષ્ણ એન્ટર પ્રાઇઝના સંચાલક સહિત ચારેય સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.
જામકંડોરણામાં લોભામણી લાલચ દઇ નાના રોકાણકારો સાથે એક કરોડની ઠગાઇ
વેલકમ રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડ કોન પ્રા.લી. નામની સંસ્થાના સંચાલક અને ભાજપ અગ્રણી સામે નોંધાતો ગુનો: પોલીસે ફરિયાદ ન સાંભળતા રોકાણકારોએ કોર્ટમાં દાદ માગતા ગુનો નોંધવા આદેશ
જામ કંડોરણાની ગોકુલધામ સોસાયટીમાં રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડ કોન પ્રા.લી. નામની સંસ્થા શરૂ કરી નાના રોકાણકારોને વધુ વળતર આપવાની લોભામણી લાલચ દઇ એકાદ કરોડની છેતરપિંડી કર્યાનું પ્રકાશમાં આવ્યું છે. રોકાણકારોની પોલીસે ફરિયાદ ન સાંભળતા અદાલતમાં દાદ માગવામાં આવતા અંતે કોર્ટના હુકમથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામ કંડોરણાના ઇન્દિરાનગરમાં રહેતા કારીબેન જીવાભાઇ બગડાએ તેના પાડોશમાં રહેતા અને જામ કંડોરણા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેનના પતિ ચંદુ મંગા મકવાણા સામે લોભામણી લાલચ દઇ રૂા.33 હજારની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.
જામ કંડોરણાની ગોકુલધામ સોસાયટીમાં ચંદુ મંગા મકવાણાએ મળતીયાની મદદથી કોલાપુરની વેલકમ રીયલ એસ્ટેટ એન્ડ બિલ્ડ કોમ પ્રા.લી. નામની કંપની શરૂ કરી જામ કંડોરણા તાલુકામાં 72 જેટલા એજન્ટોની નિમણુંક કરી હતી. એજન્ટોની મદદથી કંપનીમાં માસિક, ત્રિમાસીક, છ માસીક, વાર્ષિક અને ફીકસ ડીપોઝીટના નામે નાના રોકાણકારોને મોટુ વળતર આપવાની લાલચ દઇ રોકાણ કરાવ્યું હતું.
જામકંડોરણામાં જુદા જુદા એજન્ટો દ્વારા 100થી વધુ નાના રોકાણકારો પાસે જુદી જુદી સ્કીમ હેઠળ રકમ એકઠી કરી પાકતી મુદતે પરત ન આપી છેતરપિંડી કર્યાની પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી હતી. પોલીસે રોકાણકારોની ફરિયાદ ન સાંભળી હોવાથી જામકંડોરણા કોર્ટમાં ન્યાય માટે દાદ માગવામાં આવતા અદાલતના હુકમથી પોલીસે ચંદુ મંગા મકવાણા સામે છેતરપિંડી અંગેનો ગુનો નોંધ્યો હતો. જેમાં 20 જેટલા રોકાણકારોને સાહેદ બનાવવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષે એડવોકેટ તરીકે કાંતીલાલ બાલધા અને તેજુભા રોકાયા હતા.