યુવાનના ઘરમાં ઘુસી તોડફોડ કરી મારમારતા ચાર સામે નોંધાતો ગુનો
ધ્રાંગધ્રા તાલુકા પોલીસને ગેરકાયદે પ્રવૃતિની બાતમી આપનાર વ્યકિતના ઘર ઉપર મોડી રાત્રે ચાર શખ્સોએ હુમલો કર્યો હોવાનો બનાવ બનતા ચકચાર ફેલાઈ છે. બાતમી આપનારની વિગત ગુંડાતત્વો સુધી કેવી રીતે પહોંચી.? તેવો પ્રશ્ન ચર્ચાઇ રહ્યો છે.
ગેરકાયદે ધંધા કરતા તત્વો સાથે કોઈ પોલીસકર્મીની સાંઠગાંઠ હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ધ્રાંગધ્રા ડી.વાય.એસ.પીએ જણાવી હુમલાખોરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કરવા આદેશ કર્યો છે.
બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રાની માજી સૈનિક સોસાયટીમાં રહેતા રામદેવસિંહ ઝાલાએ હાઈવે પર કુડા ચોકડી નજીક ખુલ્લી જગ્યામાં બિલ વગરના ગેરકાયદે લોખંડના સળિયા પડયા હોવાની બાતમી તાલુકા પોલીસને અપી હતી.
તેના આધારે પોલીસે લાખ્ખોનો મુદામાલ કબજે કર્યો હતો, પરંતુ આ બનાવમાં બાતમી આપનારાનુ નામ ગુપ્ત રહેવાને બદલે ગેરકાયદે પ્રવૃતિ કરનાર તત્વો સુધી પહોંચી ગયું હતુ.
આથી યુસુફભાઈ નામના શખ્સે રામદેવસિંહને ફોન કરીને તેમને ઉપાડી જવાની ધમકી આપી હતી. એટલુ જ નહીં પણ મોડી રાત્રે કાળારંગની ગાડીમાં ધસી આવેલા અજાણ્યા શખ્સોએ રામદેવસિંહના ઘર ઉપર હુમલો કરીને તોડફોડ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને રામદેવસિંહની ફરિયાદ લઈ યુસુફભાઈ જેડા તથા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.