- રીક્ષા ચલાવવી હોય તો હપ્તા તો આપવા જ પડશે
- 10 દિવસ અગાઉ પણ ચારેક શખ્સો ધોકા-પાઇપ લઈને ધસી આવ્યા’તા : ધમકી મામલે પોલીસમાં અરજી પણ કરાઈ’તી
રાજકોટ શહેરની ભાગોળે આવેલ પડધરીમાં રીક્ષા ચલાવવી હોય તો હપ્તો તો આપવો જ પડશે તેવી ધમકી આપી ચાર શખ્સોએ રીક્ષા ચાલક યુવકને બેફામ માર મારી બંને પગ ભાંગી નાખ્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ ઇજાગ્રસ્ત યુવકને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ખંડણીખોરોએ ધમકી આપી હપ્તાની ઉઘરાણી કરી હતી. જે મામલે પડધરી પોલીસને લેખિત અરજી પણ આપવામાં આવી હતી. જોકે સ્થાનિક પોલીસની ઉઉદાસીનતાને પગલે યુવક પર હીચકારો હુમલો કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલામાં પ્રાપ્ત વિગત અનુસાર પડધરીના સમીરભાઈ ઈકબાલભાઈ જુણેજા (ઉ.વ.24) પોતે રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે બપોરે 12 વાગ્યાની આસપાસ તેઓ મોવિયાની ધાર પાસે આવેલ તેમના ઘર નજીક હાજર હતા.
ત્યારે પડધરીના જ રહેવાસી કમલેશ બાંભવા, કારિયો બાંભવા, લાલો બાંભવા અને મેહુલ ઝુંઝા સહિતના શખ્સો ધોકા પાઇપ લઈને ધસી આવ્યા હતા અને ચારેય શખ્સોએ ધોકા પાઇપ વડે બેફામ મારવાનું શરૂ કરી દીધું હતું. હુમલામાં રીક્ષા ચાલક યુવકને હાથ,પગ,પીઠ સહિતના ભાગે ઇજાઓ પહોંચી હતી. હિચકારો હુમલો કરી હુમલાખોરો નાસી ગયા બાદ રીક્ષા ચાલક યુવકને પ્રાથમિક સારવાર અર્થે પડધરી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પડધરી સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ ભોગ બનનારને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
મામલામાં ભોગ બનનાર યુવક સમીર જુણેજાના પરિજનોએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભોગ બનનાર પડધરી ખાતે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અગાઉ કમલેશ બાંભવા, કારિયો બાંભવા, લાલો બાંભવા અને મેહુલ જુજા સહિતના શખ્સોએ રીક્ષા ચલાવી હોય તો હપ્તો આપવો પડશે તેમ કહી ખંડણીની માંગણી કરી હતી. પરંતુ ખંડણી નહીં આપવાનો ખાર રાખી ચારેય શખ્સોંએ આજે ધોકા-પાઇપ વડે હુમલો કર્યો હતો. વધુમાં ફરિયાદીના પરિજનોએ જણાવ્યું હતું કે આશરે 10 દિવસ પૂર્વે પણ ચારેય હુમલાખોરો ધોકા પાઇપ લઈને ધસી આવ્યા હતા અને ખંડણીની માંગણી કરી ધમકી આપી હતી. જે મામલે અગાઉ પણ ભોગ બનનારે પડધરી પોલીસમાં અરજી કરી હતી પરંતુ સ્થાનિક પોલીસની ઉદાસીનતાને પગલે હુમલાખોરો બેફામ બન્યા હતા અને રીક્ષા ચાલક યુવકને બેફામ મારી બંને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા પહોંચાડી નાસી ગયા હતા.
પોરબંદર – આસનસોલ વચ્ચે ચાલશે સમર સ્પેશિયલ ટ્રેન: કાલથી બુકીંગ શરૂ
પશ્ર્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન રાજકોટ ડિવિઝનમાંથી પસાર થશે.
જેમાં ટ્રેન નંબર 09205 પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 10.04.2025 અને 17.04.2025 ના રોજ સવારે 08.50 વાગ્યે પોરબંદર સ્ટેશનથી ઉપડશે. રાજકોટ તે જ દિવસે બપોરે 1.15 વાગ્યે પહોંચશે અને શનિવારે સાંજે 6.45 વાગ્યે આસનસોલ સ્ટેશન પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં.09206 આસનસોલ-પોરબંદર સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન 12.04.2025 અને 19.04.2025 ના રોજ આસનસોલ સ્ટેશનથી 17.45 વાગ્યે ઉપડશે અને સોમવારે સવારે 10.30 વાગ્યે રાજકોટ અને બપોરે 1.45 વાગ્યે પોરબંદર પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં ભાણવડ, લાલપુર જામ, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હિરદારામ નગર, બીના, લલિતપુર, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી, ગોવિંદપુરી, પ્રયાગરાજ, મિર્જાપુર, પંડિત દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, સાસારામ, ગયા, કોડરમા અને ધનબાદ સ્ટેશનો પર રોકાશે.
ટ્રેન નંબર 09205 માટે બુકિંગ આવતીકાલથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટરો અને આઇઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.