ઝડપાયેલા સુત્રધારની પાંચ દિવસની રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ
જૂની અદાવતના કારણે પેંગાના સાગ્રીતની છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધાની ઝડપાયેલ શખ્સની કબુલાત
શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે હોળીની રાત્રીએ જૂની અદાવતનો ખાર રાખી મુળ લોધીકા તાલુકાના માખાવડ ગામના યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવાના બનાવમાં પોલીસે ગણતરીની કલાકમાં આરોપીની ધરપકડ કરી હતી બાદમાં ઝડપાયેલા શખ્સની રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.
વધુમાં મૃતક કુખ્યાત પેંગાનો સાગ્રીત પાર્થરાજની પાડોશમાં રહેતા ગરાસીયા પરિવારના પિતા-પુત્ર સાથે અગાઉ થયેલી બોલાચાલીમાં એકબીજાને ભરી પીવાના મુડમાં હતા. ત્યારે પાર્થરાજ ઉર્ફે ગટીયાએ હોળીની રાત્રીએ ધર્મેન્દ્રસિંહના ઘરે જઈ ધમકી આપતા ધર્મેન્દ્રસિંહ છરી વડે તૂટી પડી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આપી છે.
પોલીસ પ્રાપ્ત વિગત મુજબ મુળ લોધીકા તાલુકાના માખાવડ ગામના વતની અને શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પુનિતનગર પાણીના ટાંકા પાસે રહેતા પાર્તરાજ ઉર્ફે ગટીયા હરદેવસિંહ જાડેજા નામના ૨૪ વર્ષીય યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવ્યાની મૃતકના પિતા હરદેવસિંહ જાડેજાએ વૃંદાવન-૧૫માં રહેતો રિક્ષાચાલક ધર્મેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલા, તેનો સગીર પુત્ર, ભાઈ શક્તિસિંહ તથા અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૦૨ હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં પુનિતનગરના પાણીના ટાંકા પાસે લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ પડી હોવાની જાણ પોલીસને થતા ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે.એસ.ગેડમ અને તાલુકા પોલીસ મથકના પીઆઈ વણઝાર અને ડી સ્ટાફ સહિતનો સ્ટાફ દોડી જઈ મૃતદેહને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
પોલીસની પ્રાથમિક પુછપરછમાં બે માસ પૂર્વે પાર્થરાજ જાડેજા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાના પુત્ર જયદીપ વચ્ચે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી જયદીપ અને તેના પિતા ધર્મેન્દ્રસિંહ અવાર-નવાર નિકળી ધમકી આપી તારા પુત્રને સમજાવી લેજે તેમ કહેતા ધર્મેન્દ્રસિંહ તેના પુત્ર, ભાઈ અને અજાણ્યા શખ્સોએ જેનો ખાર રાખી પાર્થરાજને છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હોવાનું બહાર આવ્યું છે.
પોલીસે ગણતરીના કલાકમાં ધર્મેન્દ્રસિંહ ધરપકડ કરી પ્રાથમિક પુછપરછમાં હોળીની સાંજે પાર્થરાજ દારૂ પીને આવી જયદીપને ગાળો દઈ જોઈ લેવાની ધમકી આપતા મારા પુત્રનો ફોન આવ્યો કે, ગટીયો ગાળો દે છે અને જો માથાકૂટ કરવી હોય તો રૂબરૂ આવી જાવ તેમ કહેતા થોડીવાર પછી ફરીથી બાઈક લઈને આવ્યો હતો અને બહાર નિકળો બધા જોઈ લેવા છે કહી માથાકૂટ કરી છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત આપી હતી. ઝડપાયેલા શખ્સને ૫ દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી છે.