૩૮ જેટલા વિદ્યાર્થીઓને લૂંટી લીધાની કબુલાત: સોનાના ઘરેણા અને રોકડ ન મળે તેવા વિદ્યાર્થીને એટીએમમાં લઇ જઇ રોકડ ઉપાડી લેતા
રાજકોટ રહી અભ્યાસ કરતા સૌરાષ્ટ્રભરના વિદ્યાર્થીઓને છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગના બે શખ્સોને ઝડપી લેવામાં તાલુકા પોલીસને સફળતા મળી છે. ચાર શખ્સોએ ૩૮ જેટલા વિદ્યાર્થીઓને છરી બતાવી સોનાના ઘરેણા અને રોકડની લૂંટ ચલાવ્યાની કબુલાત આપી છે. ચાર માસમાં ૩૮ જેટલા વિદ્યાર્થીઓને લૂંટી લેવા છતાં એક પણ બનાવમાં ફરિયાદ ન નોંધાતા ચારેય શખ્સો વધુને વધુ વિદ્યાર્થીઓને લૂંટતા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ સાથે બાઇક અથડાવી માર મારી અને છરી બતાવી બળજબરીથી સોનાના ઘરેણા અને પૈસા પડાવતી ગેંગના કોઠારિયા રોડ પર ઘનશ્યામનગરના ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ, નાળોદાનગરના સુનિલ નવીન રાઠોડ, પૂજા પાર્કના અભય હસમુખ સિધ્ધપુરા અને રાજદીબપ ઉકા ડાંગર નામના શખ્સોને તાલુકા પોલીસ મથકના પી.આઇ. વી.એસ.વણઝારા, પી.એસ.આઇ. ગઢવી, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા અને ગોપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફે કાલાવડ રોડ પરથી ઝડપી લીધા છે.
બંને શખ્સોની પૂછપરછ દરમિયાન અમરેલીના ધારી ગામના વતની અને શ્યામ મનસુખભાઇ મોર નામના આહિર યુવાનને બે દિવસ પહેલાં સત્યસાંઇ હોસ્પિટલ રોડ પર છરી બતાવી આરયુ.૨૦ હજારની કિંમતની સોનાની વીંટી અને રૂ.૮૦૦ રોકડાની લૂંટ ચલાવ્યાની અને મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થી પ્રિન્સ જીતુભાઇ શેખલીયા નામના ૧૯ વર્ષના યુવાનને પ્રદ્યુમન હાઇટસ નજીક જે.એસ.પાર્ટી પ્લોટ પાસે અટકાવી તે છેડતી કરી હોવાનો ખોટો આરોપ મુકી બીક બતાવી રૂ.૧ લાખની કિંમતની સોનાની લક્કીની લૂંટ ચાલવ્યાની કબુલાત આપી છે.
શ્યામ મનસુખભાઇ આહિર આત્મીય કોલેજમાં અભ્યાસ કરતો હોવાનું અને તે ગત તા.૮મી એપ્રિલે સત્યસાંઇ રોડ પરથી જઇ રહ્યો હતો ત્યારે તેને અટકાવી છરી બતાવીને લૂંટી લીધો હતો જ્યારે હરીદ્વાર હાઇટસમાં રહેતા અને મહાત્મા ગાંધી સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રિન્સ શેખલીયાને છેતડી કર્યાનો આરોપ મુકી ભય બતાવી સોનાની લક્કીની લૂંટ ચલાવ્યાના તાલુકા પોલીસમાં ગુના નોંધાયા છે.
બંને શખ્સોએ કાલાવડ રોડ પર રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સથે બાઇક અથડાવી રિપેરીંગના ખર્ચ માંગી સોનાના ઘરેણાની લૂંટ ચલાવતા હોવાની અને વિદ્યાર્થી પાસે ઘરેણા ન હોય ત્યારે તેની પાસેથી એટીએમમાં સાથે લઇ જઇ પૈસા ઉપાડી લૂંટ ચલાવતા હોવાની કબુલાતના આધારે તાલુકા પોલીસે ચારેય શખ્સો પાસેથી પોલીસે રોકડ, નંબર પ્લેટ વિનાનું બાઇક અને સોનાનો ઢાળીયો મળી આરયુ.૨.૩૫ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ચારેય શખ્સો વધુ લૂંટના ગુનામાં સંડોવાયાની શંકા સાથે રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.