જામજોધપુરમાં ખેતરની ઓરડીમાં જુગાર રમતા સાત ઝડપાયા
જામનગરના ગોકુલનગરમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત ચારને એલસીબીએ પકડી પાડ્યા છે જ્યારે જામજોધપુરમાં એક ખેતરની ઓરડીમાં જુગાર રમતા સાત શખ્સને ઝડપી લેવાયા છે ઉપરાંત જોડીયામાંથી ચાર પત્તાપ્રેમી અને જામજોધપુરના જામવાડી ગામમાંથી એક મહિલા વર્લીના આંકડા લેતા પકડાયા છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ જાહેરમાં એકઠા થઈ ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી પરથી સ્થાનિક ગુન્હા શોધક શાખાના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી રામભાઈ પોલાભાઈ વસરા, સંજય બાબુભાઈ તળાવીયા તથા મંજુબેન કિશોરભાઈ રાંદલપરા અને સતીબેન દેવાયતભાઈ ડાંગર નામના ચાર વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા હતાં. એલસીબીના હેકો દિલીપ તલાવડીયાએ પટ્ટમાંથી રૃા. ૪૧,૪૦૦ રોકડા કબજે કરી સિટી સી ડિવિઝનમાં જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
જામજોધપુર શહેરમાં આવેલી કાતરવાડી નજીક એક ખેતરમાં કેટલાક શખ્સો એકઠા થઈ ખેતરના માલિકને નાલ આપી જુગાર રમતા હોવાની બાતમી મળતા જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે માકડીયા વાડીમાં રહેતા જગદીશભાઈ વલ્લભભાઈ પટેલના કબજાના ખેતરની ઓરડીમાં દરોડો પાડ્યો હતો.
ત્યાંથી જગદીશભાઈને નાલ આપી ગંજીપાના કૂટતા પરેશ મગનભાઈ પટેલ, કેતન રમણીકભાઈ પટેલ, કાન્તિલાલ ભીખાભાઈ પટેલ, રશ્મીનભાઈ કાન્તિભાઈ પટેલ, જેન્તિભાઈ ભવાનભાઈ પટેલ તથા સંજય હરીભાઈ પટેલ નામના છ શખ્સ મળી આવ્યા હતાં. પોલીસે પટ્ટમાંથી રૂ. ૧૭,૫૮૦ રોકડા કબજે લઈ સાતેય શખ્સો સામે જુગાર ધારાની કલમ ૪,૫ હેઠળ કાર્યવાહી કરી છે.
જોડીયામાં જાહેરમાં કુંડાળુ વળી ગંજીપાનાથી જુગર રમતા રાજેશભાઈ બેચરભાઈ રીયા ઉર્ફે પોપટભાઈ, અકબર જુસબભાઈ છરેચા, અમીત મોહનભાઈ કોળી તથા દિનેશપરી મગનપરી ગોસાઈ નામના ચાર શખ્સ પોલીસની ગીરફતમાં આવ્યા હતાં. પટ્ટમાંથી રૂ. ૫૪૧૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા રંજનબેન રસીકભાઈ વીરોજા (ઉ.વ. ૫૫) નામના પટેલ પ્રૌઢા ગઈકાલે સવારે પોતાના ઘરની બહાર વર્લીના આંકડા લેતા મળી આવ્યા હતાં. પોલીસે તેમની પાસેથી આંકડા લખેલી ચિઠ્ઠી, પર્સ, રૂ. ૨૦૫૦ રોકડા કબજે કર્યા છે.