અમદાવાદનો પરિવાર દિવાળીની રજા માણવા નિકળ્યા બાદ સર્જાઈ કરુણાતીકા

સોમનાથ-દ્વારકા દર્શન કરી મકનસર સબંધીના ઘરે પહોંચે તે પહેલાં જ કાળ ભેટ્યો: દ્રાઈવર સહિત ત્રણનો બચાવ

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અમદાવાદથી દિવાળીની રજાઓ માણવા નીકળેલા પરિવારને રસ્તામાં જ કાળ ભેટ્યો હતો. જેમાં ઇકોના ચાલકને ઝોકું આવી જતા કાર કૂવામાં ખાબકતા સાસુ-વહુ અને બે બાળકોના મોત નિપજતા કરુણાતીકા સર્જાઈ હતી. જ્યારે દ્રાઈવર સહિત ત્રણ લોકોનો બચાવ થયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા રતિભાઈ ભવાનભાઈ પ્રજાપતિ અને તેમનો પરિવાર દિવાળીની રજાઓમાં સોમનાથ-દ્વારકા બાજુ ફરવા માટે પોતાના ઘરેથી ઇકો કારમાં નીકળ્યા હતા. એ પછી ગઈકાલે રવિવારે તેઓ વાંકાનેર થઇ મકનસર ગામે સંબંધીના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની ઈકો કાર નં. જીજે-૧-એચઝેડ-૧૪૫૩ના ચાલકે વાંકાનેર તાલુકાના કણકોટ ગામ નજીક કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રોડની સાઈડમાં નીચે ઊતરી ગઈ હતી અને રોડની બાજુમાં આવેલા પાણી ભરેલા કૂવાની અંદર ખાબકી હતી.

ઇકો કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ૫૦ ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી. જેમાં દ્રાઈવર કારમાંથી કૂદી ગયો હતો. જેમાં રતીભાઈ પ્રજાપતિ અને તેમનો પુત્ર દિનેશ આગળની સીટ પરથી નીકળવામાં સફળ થતા તેમનો બચાવ થયો હતો. જ્યારે પાછળના ભાગે બેઠેલા રતીભાઈના પત્ની મંજુલાબેન તથા વહુ મીનાબેન અને પૌત્રો આદિત્ય અને ઓમ પાછળના દરવાજેથી નીકળી ન શકતા ચારેય કાળનો કોળિયો બન્યા હતા.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે રાજકોટ જવાના ખોરાણાવાળા શોર્ટ રસ્તા પર ઇકો કાર ફુલ સ્પીડમાં આવતી હતી અને કાબૂ ગુમાવતાં રોડથી આશરે ૫૦ ફૂટ દૂર આવેલા એક કૂવામાં ખાબકી હતી, જેનો ડ્રાઇવર કૂદકો મારીને નીકળી ગયો હતો, જ્યારે કારમાં સવાર બે પુરુષ પણ બચી ગયા હતા. તેઓ કૂવામાં આવેલા કડ પર ચડી ગયા હતા અને લોકોએ તેમને બહાર કાઢ્યા હતા. જ્યારે બે બાળક સહિત બે મહિલા સાથે કાર કૂવામાં પડી હતી. કૂવામાં પાણી વધારે હોવાથી કાર પાણીમાં ડૂબી ગઈ હતી.

આ અકસ્માતમાં એક જ પરિવારના ચાર-ચાર સભ્યોનાં મોત થતાં પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. બનાવ બાદ ઈકો કારચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. જેથી રતિભાઈ પ્રજાપતિએ ગફલતભરી રીતે ગાડી ચલાવી આ અકસ્માત સર્જનાર ઈકો કારના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અમદાવાદનો પ્રજાપતિ પરિવાર દિવાળીની રજાઓ માણવા સોમનાથ-દ્વારકા દર્શને ગયા હતા. જ્યાંથી આ પરિવાર વાંકાનેર થઈ પોતાના સબંધીને ત્યાં મકનસર જવા નીકળ્યા હતા. પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ પરિવારના ચાર સભ્યોને કાળ ભેટતા કલ્પાંત છવાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.