વાવણી કરી પરત ફરતી વેળાએ ઘસમસતા પૂરમાં બળદ ગાડૂ તણાતા સર્જાઈ દુર્ઘટના: ત્રણનો બચાવ: એક જ પરિવારની ચારની અર્થી નિકળતા ગામ હિબકે ચડયું
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે આજે જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને અમરેલી જીલ્લાનાં તાલુકાઓમાં મઘ્યમથી હળવો વરસાદ નોંધાયો હતો. અમરેલી જીલ્લાના બગસરા નજીકના હામાપુર ગામ પાસેથી પસાર થતા વોંકળામાં વિપુલ માત્રામાં પાણીની આવક થતા પાણીમાંથી પસાર થતુ ૭ વ્યકિત સાથેનુ બળદ ગાડુ તણાતા એકજ પરીવારની ૨ મહિલા ત્થા બે બાળકો ઉપરાંત એક બળદનુ મોત નિપજેલ જ્યારે ૩ વ્યકિતનો આબાદ બચાવ થવા પામેલ હતો. ચોમાસાના પ્રારંભે થાવાણી પરીવાર પર આભ તૂટી પડેલ છે.
અમરેલી જીલ્લાના બગસરા તાબાના હામાપુર ગામનો ખેડૂત પરીવાર, પોતાના ખેતરે વાવણી કરવા આજે સવારે ગાડામાં રવાના થયા બાદ, વાવણી સંપન્ન થતા ઘેર પરત ફરી રહયા હતા ત્યારે હામાપુર નજીક આવેલ વોંકળામાં ઉપરવાસમાં થયેલા વરસાદના કારણે વોંકળામાં પાણીનો જોરદાર પ્રવાહ હતો ત્યારે આ પરીવારે ગાડામાં બેસી વોંકળો પસાર કરવા પ્રયાસ કરેલ પરંતુ પાણીનો પ્રવાહમાં ગાડુ તણાતા ૭ વ્યકિત પાણીમાં તણાયેલ જે પૈકી ૩ વ્યકિતનો આબાદ બચાવ થયેલ જ્યારે એકજ પરીવારની ૪ વ્યકિત પાણીનાં જોરદાર પ્રવાહમાં તણાતા મૃત્યુ પામેલ હતી.
હામાપુર નજીક વોંકળાના પાણીમાં ૪ વ્યકિત લાપતા બન્યા બાદ ચારે વ્યકિતનાં મૃતદેહો પાણીમાંથી બહાર કઢાયા બાદ બગસરા હોસ્પિટલ ખાતે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવેલ પાણીમાં તણાયેલ બળદ ગાડામાં જોડાયેલ બે પૈકી એક બળદ પણ મોત પામેલ હોવાનુ જાણવા મળેલ છે.
બગસરા મામલતદારને બનાવની જાણ થતા તંત્રનાં અમલદારો અને કર્મચારી મારફત ધોરણસરની કામગીરી હાથ ધરવામાં આવેલ મામલતદાર બગસરાનાં જણાવ્યા અનુસાર મૃતક ચાર વ્યકિતઓમાં રેખાબેન શરદભાઈ થાવાણી (૪૫), મનિષા હસમુખભાઈ થાવાણી (૩૮), ખુશી હસમુખભાઈ થાવાણી (૮) અને યશ હસમુખભાઈ થાવાણી (૫)નો સમાવેશ થાય છે.