- ગુજરાત એનસીબી ટીમનું ઓપરેશન
- ગરમ મસાલાના પેકેટમાં છુપાવી નાઈજીરિયન સિન્ડિકેટ સાથે મળી ડ્રગ્સનો વેંપલો કરાતો’તો : બે કિલો કેટામાઇન કબ્જે’
ગુજરાત એનસીબી ટીમે દિલ્લી અને બેંગ્લોરમાં ઓપરેશન હાથ ધરી બે કિલો કેટામાઇન ડ્રગ્સ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી છે. એનસીબી ટીમે ગરમ મસાલાના પેકેટમાં છુપાવી ડ્રગ્સનો વેંપલાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે.
ભારતમાંથી વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાનાં પેકેટમાં ડ્રગ્સ પેક કરી અમેરિકા મોકલવાના રેકેટનો અમદાવાદ એનસીબીએ પર્દાફાશ કર્યો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બે કિલો કેટામાઈન ડ્રગ્સ સાથે એકને બેંગ્લોરથી અને ત્રણ નાઈજીરિયનને દિલ્હીથી ઝડપી પાડ્યા છે. જેઓ વિવિધ બ્રાન્ડના ગરમ મસાલના પેકેટનો ઉપયોગ કરી તેમાં ડ્રગ્સ પેક કરી યુએસ કુરિયરમાં મોકલતા હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદ એનસીબીએ બાતમીના આધારે અદનાન ફર્નિચરવાલાની નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. અદનાન એક સમયમાં પૂણેમાં રહેતો હતો પરંતુ બાદમાં તે યુએસ ગયો હતો. યુએસમાં ડ્રગની હેરાફેરીના તેના ઉપર ત્રણ કેસ નોંધાયા હતા.તેથી તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તે ડ્રગની હેરાફેરી કરી રહ્યો હતો. આ દરમિયાન ગયા વર્ષે એનસીબી મુંબઈ દ્વારા તેના પર વધુ એક કેસ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં તે પેરોલ ઉપર બહાર હતો. અદનાન હંમેશાં એજન્સીથી એક સ્ટેપ આગળ રહીને ડ્રગની હેરાફેરી કરતો અને પોતાનું છુપાવવાનું સ્થળ બદલતો રહેતો હતો.
એનસીબી દ્વારા તેને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં ટ્રેક કરવામાં આવ્યો હતો. 8 ડિસેમ્બરે કર્ણાટકના બેંગ્લોરના વિસ્તારમાંથી એક એપાર્ટમેન્ટમાંથી અદનાનની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ તપાસમાં સામે આવ્યું કે અદનાન નાઈજીરિયન સિન્ડિકેટની સાથે મળીને ડ્રગ્સ સપ્લાય કરવાનું ચાલુ કર્યું હતું. જે દિલ્હીથી સિન્ડિકેટ ચાલતી હતી. કુરિયર એજન્સી દ્વારા ઇન્ડિયાથી યુએસ ડ્રગ્સ મોકલાતું હતું. એનસીબીએ 18 ડિસેમ્બરે દિલ્હીના વિસ્તારમાંથી ઈમેન્યુઅલ અને તેના બે સાથી એકલેમે અને ઇમેન્યુઅલ ઓસાજાની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ કરીને વિવિધ બ્રાન્ડના મસાલા પેકેટમાં છુપાયેલા બે કિલો ડ્રગ કબજે કરવામાં આવ્યું છે. ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.