મહારાષ્ટ્રમાં કોરોનાને નાથવા લોકડાઉન લગાવ્યુ છે. આ લોકડાઉનના સમયમાં મહારાષ્ટ્રમાં થોડા-થોડા સમયે હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવે છે. હમણાં થોડા દિવસો પહેલા પાલઘર જિલ્લાના વિરારમાં એક ખાનગી હોસ્પિટલના ICUમાં ભીષણ આગ લાગી હતી. ત્યાર બાદ આજે મહારાષ્ટ્રના થાણેમાં મુમ્બ્રાની પ્રાઈમ ક્રિટિકેર હોસ્પિટલમાં વહેલી સવાર 3.40 મિનિટે આગ લાગી હતી, જેમાં ચાર દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
આગ પર કાબૂ મેળવવા માટે ત્રણ ફાયર બ્રિગેડ અને પાંચ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પોહચી હતી, અને ઘણી કોશિશ બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. જ્યારે આગ લાગી ત્યારે 26 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા. પરંતુ તેમાંથી 22 લોકોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા, અને તે દરમિયાન બીજા ચાર દર્દીઓના મૃત્યુ થયા.
મહારાષ્ટ્રના મંત્રી જિતેન્દ્ર અવહાડે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘આગથી હોસ્પિટલનો પહેલો માળો બળીને ખાખ થઈ ગયો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને અકસ્માતની જાણ થતા, દરેક મૃતકના પરિવારને પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક લાખ રૂપિયા વળતર સ્વરૂપે આપવામાં આવશે. આગ લાગવા પાછળના કારણો શોધવા માટે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિમાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પોલીસ અને તબીબી અધિકારીઓ પણ સામેલ થશે.’