- હળદરની ખેતીના નામે રાજકોટની પેઢી સાથે
- ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એમ એલ ડામોરની ટીમ મહારાષ્ટ્ર દોડી ગઈ
હળદરની ખેતીમાં ઉંચા વળતરની લાલચ આપી રાજકોટના વેપારીઓના મહારાષ્ટ્રની કંપનીના સંચાલકો સહિતની ટોળકી રૂા.64.80 કરોડ ઓળવી ગયાની અને એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કર્યાના ગુનામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્રથી ચાર શખ્સોને દબોચી લઈ અન્ય આરોપીની શોધખોળ આદરી હતી.
બનાવ અંગે 150 ફૂટ રીંગરોડ પર બિગબજાર પાછળ જગન્નાથ પ્લોટ શેરી નં. 2માં રહેતા પ્રશાંતભાઈ પ્રદીપભાઈ કાનાબાર (ઉ.વ.32)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષે 2020 માં તેણે ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયાના મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ સેન્ટરમાંથી સર્ટિફિકેટ ઓફ ઇનકોર્પોરેશન મેળવી નવલનગર વિસ્તારમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ. નામની ખેતી પ્રોડક્ટ લે-વેચની કંપની શરૂ કરી હતી. જેમાં તે ઉપરાંત ધવલ પ્રદીપભાઈ કાનાબાર અને ઇન્દ્રવદનભાઈ બાબુલાલ કોરાટ (રહે. અમદાવાદ) ડાયરેક્ટર છે.
જૂન-જૂલાઇ 2021 માં તે હિંમતનગર કંપનીના કામથી ગયો હતો ત્યારે ચંદ્રકાંતભાઈ પટેલ સાથે પરિચય થયો હતો. જેણે તેને હળદરની ખેતીનો પ્રોજેક્ટ સમજાવ્યો હતો. જેમાં મુંબઇની એ.એસ. એગ્રી એન્ડ એક્વા એલએલપી સારું વળતર આપે છે તેમ કહ્યું હતું. જેમાં કંપનીને છ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબ જમીન આપવાની હતી. તે જ જમીનમાં વીજળી, પાણી તેમણે જ પૂરા પાડી હળદરની ખેતીના પોલી હાઉસ ઉભા કરવાના હતાં. જેમાં એક એકરે અંદાજે રૂા. બે કરોડનો ખર્ચ થવાનો હતો. તેમાંથી રૂા.1.20 કરોડ તેમને આપવાના હતા. જ્યારે રૂા. 80 લાખનું રોકાણ કંપનીએ કરવાનું હતું. કંપની પોલી હાઉસ ઉભું કરી હળદરની ખેતી કરવા માટેના બિયારણના વાવેતર કરવાથી તેના વેચાણ સુધીની તમામ જવાદારી સંભાળવાની હતી.
બાદમાં 16 મહિના પછીથી કંપની તેમને દર એકરે રૂા.1.20 કરોડના રોકાણની સામે દર વર્ષે રૂા.1.20 કરોડ છ વર્ષ સુધી પરત આપવાની હતી. આ રીતનો પ્રોજેક્ટ અવિનાશે તેમને સમજાવી યુ-ટયુબમાં વીડિયો પણ બતાવ્યા હતાં. જેમાં જુલાઇ-2021થી સપ્ટેમ્બર-2021 સુધીમાં રૂા. 64.80 કરોડ કંપનીમાં કટકે-કટકે જમા કરાવ્યા હતાં. જે બાદ ગુજરાતના અલગ-અલગ વિસ્તારનાં ખેડૂતોની હળદરને અનુકુળ આવે તેવા વાતાવરણવાળી જમીનની શોધખોળ શરૂ કરી 108 એકર જમીન 6 વર્ષ સુધી લીઝ ઉપર રાખી હતી.
જે બાદ તેમણે રોકેલા રૂા. 64.80 કરોડ પરત નહીં આપી ઓળવી ગયા હતાં. સાથોસાથ કંપનીએ ત્રણ વર્ષ સુધી એગ્રીમેન્ટ મુજબનાં 1 અબજ 94 લાખ પણ આજ સુધી ચૂકવ્યા નથી. તેણે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે કંપનીના ડીરેક્ટરોએ આજ રીતે વડોદરા, અમરેલી, મહારાષ્ટ્રના થાણે અને પૂનામાં પણ ફ્રોડ કર્યાં છે. જે અંગે તેમના વિરૂધ્ધ પોલીસ ફરિયાદ પણ થઇ છે. જેમાંથી કંપનીના પાર્ટનરો સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદીપ સામંત હાલ જેલમાં છે.
બનાવ અંગેની ફરીયાદ પરથી ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ભરત બસિયાની રાહબરીમાં પીઆઈ એમ.એલ.ડામોર અને ટીમે તપાસ આદરી મહારાષ્ટ્રથી ચાર શખ્સોને પકડી પાડ્યા હતાં. જે મામલે ડીસીપીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, પકડાયેલ શખ્સો છેતરપીંડી કરનાર કંપનીમાં અઢી-અઢી ટકાના ભાગીદાર છે અને જેલમાં બંધ પ્રશાંત જાડે એકલો 55 ટકાનો ભાગીદાર છે. તેમજ કોઈ અન્ય એગ્રીકલ્ચર પેઢી કે ખેડૂતો જો આવી છેતરપીંડીનો ભોગ બન્યા હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.
જેલમાં રહેલા ત્રણ ભાગીદારોનો કબ્જો મેળવાશે
ઠગાઈ આચરનાર પેઢીના ત્રણ ભાગીદારો હાલ જેલમાં બંધ છે. મહારાષ્ટ્રના ચતૂશ્રુંગી પોલીસ મથકમાં તેમજ થાણેની કાસારવળવલી પોલીસ મથકમાં નોંધાયેલી ઠગાઈના ગુનામાં પેઢીના ભાગીદાર સંદેશ ગણપત ખામકર, પ્રશાંત ગોવિંદરાઓ ઝાડે અને સંદીપ ચિંતામણ સામંત જેલમાં બંધ છે જેથી ત્રણેય આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
જીએસટીનો દરોડો પડતા બેંક એકાઉન્ટ ફ્રીઝ થયું : બાદમાં નાણાકીય વ્યવહારો ઠપ્પ થતાં મુશ્કેલી વધી
મામલામાં ક્રાઇમ બ્રાન્ચમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઠગાઈ આચરનાર પેઢીમાં વર્ષ 2022ના ઓગસ્ટ માસમાં જીએસટીનો દરોડો પડ્યો હતો. જે બાદ જીએસટી વિભાગ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી લેવાતા નાણાકીય વ્યવહારો ઠપ્પ થઇ ગયા હતા જેના લીધે પેઢીએ કરેલા એગ્રીમેન્ટ પૈસાના અભાવે પૂર્ણ કર્યા ન હતા કે પાછી નાણાં પણ પરત આપ્યા ન હતા.