મૃતક યુવતીની સ્યુસાઇડ નોટમાં મહિલા સહિત ચારની સંડોવણીના આક્ષેપ: બેની ધરપકડ
વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતી અને ધોરણ બારમાં અભ્યાસ કરતી યુવતીની થયેલી છેડતીના કારણે શરીરે કેરોસીન છાંટી કરેલા આપઘાત અંગે મૃતકની પોલીસને મળી આવેલી સ્યુસાઇડ નોટના આધારે પોલીસે મહિલા સહિત ચાર સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરની પેડક સોસાયટીમાં રહેતી સોનલ રતિભાઇ વોરા નામની ૧૮ વર્ષની યુવતીએ પોતાના ઘરે ગઇકાલે અગ્નિસ્નાન કરી લેતા તેણીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું.
મૃતક સોનલ વોરાએ આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં જીતેન્દ્ર અરજણ મકવાણા નામનો યુવક છેડતી કરતો હોવાનું અને ફોટા વાયરલ કરવાની ધમકી દઇ બ્લેક મેઇલીંગથી કંટાળી આપઘાત કર્યાનું લખ્યું હતું.
સારવાર દરમિયાન સોનલ વોરાનું મોત નીપજતા પોલીસે જીતેન્દ્ર મકવાણા, ગૌરી કેશુ ઉભડીયા, રાહુલ રમેશ વોરા અને અખિલ પરમાર નામના શખ્સો સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી બેની ધરપકડ કરી છે.