શહેરનો વિસ્તાર અને વસ્તી વધતા હવે કલાસ-1 અધિકારીઓની વધુ જરૂરીયાત વર્તાઈ: હાલ 7 સિટી એન્જિનીયરોના મહેકમ સામે માત્ર 3 જ જગ્યાઓ ભરેલી: 4 જગ્યા પર ઈન્ચાર્જથી ચાલતો વહીવટ
રાજકોટ શહેરનો વિસ્તાર, વસ્તી અને વિકાસ સતત વધી રહ્યો છે. મહાપાલિકા દ્વારા અલગ અલગ પ્રોજેકટો હાથ પર લેવામાં આવી રહ્યાં છે. જેના કારણે કાબેલ અધિકારીઓની હવે જરૂરીયાત ઉભી થવા પામી છે. હાલ મહાપાલિકામાં 7 સિટી એન્જિનીયરોનું મહેકમ છે. દરમિયાન બાંધકામ શાખાના કાયમી સ્ટાફ સેટઅપમાં એડિશનલ સિટી એન્જિનીયરની નવી ચાર જગ્યાઓ ઉપસ્થિત કરવા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સામાન્ય વહીવટ વિભાગ હેઠળ આયોજન સેલમાં રિસર્ચ એનાલીસ્ટની 1 જગ્યા અને આંકડા મદદનીશની એક હંગામી જગ્યા ઉપસ્થિત કરવામાં આવી હતી. તેનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા અંગે પણ દરખાસ્ત મુકવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ મહાપાલિકાના બાંધકામ શાખાના મહેકમમાં સિટી એન્જીનીયરની કુલ 7 જગ્યાઓ છે. જેમાં એમ.આર.કામલીયા, એચ.યુ.દોઢીયા અને અલ્પના મિત્રાની નિમણૂંક કરવામાં આવી છે. બાકીની 4 જગ્યા પર ગોહિલ, ગૌસ્વામી, જીવાણી અને કોટક ઈન્ચાર્જ સિટી એન્જિનીયર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. શહેરનો વ્યાપ અને વિસ્તાર સતત વધી રહ્યો છે. આ ઉપરાંત રાજકોટના વિકાસને અનુરૂપ થાય તેવા પ્રોજેકટો મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે. જેને ધ્યાનમાં રાખી બાંધકામ શાખાના કાયમી સ્ટાફ સેટઅપમાં એડિશનલ સિટી એન્જિનીયર કલાસ-1ની 4 જગ્યાઓ ઉપસ્થિત કરવા માટે કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે જે અંગે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે.
ધારાસભ્યની ગ્રાન્ટ વાપરવા માટે મહાપાલિકાના સામાન્ય વહીવટ વિભાગ હેઠળ એક આયોજન સેલમાં રિસર્ચ એનાલીસ્ટ અને આંકડા મદદનીશની 1-1 જગ્યા હંગામી ધોરણે ઉભી કરવામાં આવી છે. જેની મુદતમાં દર 6 મહિને વધારે પડે છે. જેને ધ્યાનમાં લઈ હવે આ બન્ને જગ્યાનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરી લેવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. કાલે મળનારી સ્ટેન્ડિંગની બેઠકમાં અલગ અલગ 39 દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.