તમામ બેઠકો માટે બનાવાયેલી પેનલમાં સિટીંગ ધારાસભ્યોના નામો પ્રથમક્રમે: પેનલમાં એક જ મહિલા દાવેદારનું નામ: બાલુબેન મકવાણાના નામની પણ ચર્ચા
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે ઉમેદવારો પસંદ કરવા ગઇકાલથી પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં મનોમંથન ચાલી રહ્યું છે. ગઇકાલે બપોર બાદ રાજકોટ શહેર અને જિલ્લાની આઠ બેઠકો માટે ઉમેદવારોના નામોની પેનલ બનાવવા માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે ચાર-ચાર નામોની પેનલ બનાવવામાં આવી હતી. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની બેઠક રાજકોટ પશ્ર્ચિમ માટે પાંચ નામોની પેનલ બનાવવામાં આવી છે. એકમાત્ર ગ્રામ્ય બેઠકમાં મહિલા દાવેદારનું નામ મૂકવામાં આવ્યું છે. તમામ બેઠકો માટેની પેનલમાં વર્તમાન ધારાસભ્યોના નામ પ્રથમ ક્રમે રાખવામાં આવ્યા છે. બીજી તરફ સ્થાનિક હોદ્ેદારો દ્વારા ચૂંટણી સમિતિની એવી પણ ટકોરાબધ્ધ ખાતરી આપવામાં આવી છે કે ગમે તેને ટિકિટ આપવામાં આવે કમળ ખિલવવા માટે અમે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશું.
પ્રદેશ ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં ગઇકાલે સાંજે રાજકોટ શહેરની ત્રણ અને રાજકોટ ગ્રામ્ય બેઠક માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ત્રણ બેઠકો માટે ચાર-ચાર નામોની પેનલ બનાવવામાં આવી હતી જ્યારે એકમાત્ર રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક કે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી છેલ્લી બે ટર્મથી ચૂંટાય રહ્યા છે અને આ બેઠક ભાજપ માટે સૌથી સલામત માનવામાં આવી રહી છે તે બેઠક માટે પાંચ નામોની પેનલ બનાવવામાં આવી છે. ચાર બેઠક પૈકી એકમાત્ર રાજકોટ ગ્રામ્ય બેઠકની પેનલમાં મહિલા દાવેદારનું નામ મૂકવામાં આવ્યું છે.
68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક માટે રાજ્ય સરકારના મંત્રી અરવિંદભાઇ રૈયાણી ઉપરાંત પૂર્વ ડેપ્યૂટી મેયર વલ્લભભાઇ દુધાત્રા, શાસક પક્ષના પૂર્વ નેતા દલસુખભાઇ જાગાણી અને પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડના નામની પેનલ બનાવવામાં આવી છે. જ્યારે એકમાત્ર 69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભાની બેઠકમાં પાંચ નામોની પેનલ બની છે. સેન્સ પ્રક્રિયા દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ચૂંટણી લડવા માટે સેન્સ પ્રક્રિયા દરમિયાન નિરિક્ષકો સમક્ષ દાવેદારી કરી ન હતી. આ ઉપરાંત સમર્થકો અને કાર્યકરો દ્વારા પણ તેઓના નામની સેન્સ આપવામાં આવી ન હતી. છતા પશ્ર્ચિમ વિધાનસભા બેઠક માટે જે પાંચ નામોની પેનલ બનાવવામાં આવી છે તેમાં પ્રથમ નામ વિજયભાઇ રૂપાણીનું જ છે. આ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, ભાવનગર શહેર-જિલ્લાના પ્રભારી કશ્યપભાઇ શુક્લ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ અને પ્રદેશ ભાજપ લીગલ સેલના સહ ક્ધવીનર અને સિનિયર ધારાશાસ્ત્રી અનિલભાઇ દેસાઇના નામો પેનલમાં મૂકવામાં આવ્યા છે.
70- રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક માટે સિટીંગ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ ઉપરાંત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડો.ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા અને શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવાના નામની પેનલ બની હોવાનું જાણવા મળી રહ્યું છે.
71- રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વર્તમાન ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, પૂર્વ કોર્પોરેટર રાજુભાઇ અઘેરા અને ગોંડલ નજીક આવેલી ઉગારામ દાદાની જગ્યાના મહંત પરિવારના અમૃતરામભાઇ મકવાણાનું નામ મૂકવામાં આવ્યું છે. એક માત્ર ગ્રામ્ય બેઠક પર જ સંભવિત ઉમેદવારોના નામની પેનલમાં મહિલા દાવેદારનું નામ મૂકવામાં આવ્યું છે. આવામાં જો ગોંડલ વિધાનસભા બેઠક પર જો સિટીંગ ધારાસભ્ય ગીતાબા જાડેજાના સ્થાને તેમના પરિવારના અન્ય સભ્યને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવે તો જિલ્લાની અન્ય સાત પૈકી કોઇ એક બેઠક પર મહિલાને ટિકિટ આપવાનું ફરજિયાત જેવુ થઇ જાય આવામાં રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપ પસંદગીનું કળશ ભાનુબેન બાબરિયા પર ઉતારી શકે છે. આ ઉપરાંત રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે એક મહિલા દાવેદાર તરીકે બાલુબેન મકવાણાના નામની પર ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કારણ કે ભાનુબેન બાબરિયા અગાઉ બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ નગરસેવીકા તરીકે કાર્યરત છે. આવામાં આ બેઠક માટે જો મહિલા ઉમેદવારને ટિકિટ આપવાની વિચારણા કરવામાં આવે તો બાલુબેન પર પસંદગીનું કળશ ઢોળાય શકે છે.