કોરોનાની વૈશ્ર્વિક મહામારીને નાથી ફરી પહેલા જેવું વાતાવરણ ઉભુ કરવા તમામ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા પ્રયાસો થઈ રહ્યા છે. જે માટે રસીકરણ શરૂ કરી દેવાયું છે. વિશ્ર્વભરના દેશો ‘રસી’ પર ભાર મૂકી રહ્યા છે.ત્યારે ભારતે પણ ‘ત્રીદેવ’નો ઉપયોગ કરી કોવિડને હરાવવા તૈયારી દાખવી છે.
‘ત્રીદેવ’માંથી બે કોવિશીલ્ડ, કો વેકિસનને મંજૂરી મળી ગઈ છે. જયારે ઝાયકોવ-ડીની રાહ છે.ત્યારે ભારતમાં રસીકરણ માટે વધુ ચાર રસી ‘રસ્તામાં’ છે.તેમ ગઈકાલની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતુ. આમ, ભારતમાં કોવિશીલ્ડ કોવેકિસન સહિત વધુ ચાર એમ કુલ ‘છ’ (ત્રિદેવની બે જોડી) રસી મેદાન મારશે.
કોવિશિલ્ડ રસીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તેમજ ભારતની સિરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સયુક્તપણે વિકસાવવામાં આવેલી કોરોના રસી છે. જયારે કોવેક્સિન એ ભારતની પ્રથમ સ્વદેશી રસી છે જે ભારત બાયોટેક અને આઈસીએમઆર દ્વારા વિકસવાયેલી રસી છે. આ બંનેને ભારતમાં રસિકરણ માટે મંજૂરી મળી ગઈ છે. અલબત્ત, કોરોનાનો નાશ કરવા ‘જાદુઈ છડી’ મનાતી ‘રસી’ની પ્રથમ ખેપ પૂણેની સીરમ ઈન્સ્ટિટયુટથી તંત્ર પાસે આવી પહોચી છે. પ્રથમ તબકકાનાં કોવિશીલ્ડના જથ્થામાં ૧૦૮૮ કિલોગ્રામ વજનની ૩૪ પેટીઓ પૂણે એરપોર્ટથી દિલ્હી એરપોર્ટ પર પહોચી હતી ત્યાંથી નકક કરાયેલા ૧૩ રાજયો અને કેન્દ્રીશાસીત ત્યારબાદ સ્થાનિક મુખ્ય સ્ટોરેજ સેન્ટર અને ત્યાંથી રાજયોના મહાનગમાં પહોચી હતી. રસી આવી જતા જ ૧૬મી જાન્યુઆરીએ શરૂ થનારા વિશ્ર્વના સૌથી મોટા રસીકરણ અભિયાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ઓગષ્ટ માસ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસી આપવાનું લક્ષ્યાંક છે. જેમાંથી પ્રથમ તબકકામાં ૩ કરોડ હેલ્થવર્કરો અને ફ્રંટ વોલિયન્ટર્સને ડોઝ આપવાનો ખર્ચ સરકાર ભોગવવાની છે.