જિલ્લા કલેકટર કચેરીમાં અગાઉ એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ગઈકાલે રાત્રે વધુ બે કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા અને આજ રોજ ફરી બે કર્મચારીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જેના પગલે કચેરીની પીઆરઓ, રજીસ્ટ્રી અને જીસ્વાન શાખા બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
શહેરમાં કોરોનાનો હાહાકાર યથાવત રહ્યો છે. દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં વધી રહી છે. તેવામાં કોરોના સામેના જંગમાં જ્યાંથી જરૂરી નિર્ણયો લેવાય છે. તે કલેકટર કચેરીમાં જ કોરોનાનો પગપેસારો થયો છે. જિલ્લા કલેકટર કચેરીની પીઆરઓ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગોપીબેન પટેલનો તાજેતરમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેઓના સંપર્કમાં આવેલા ૬ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
ગોપીબેનના સંપર્કમાં આવેલા અને હોમ કવોરન્ટાઇન રહેલા રજીસ્ટ્રી શાખાના કર્મચારી કિરણબેન મારૂનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ જાહેર થયો છે.આ સાથે જી- સ્વાન કનેક્ટિવિટી ( એનઆઈસી ડિપાર્ટમેન્ટ) ના મેનેજર રાહુલ ત્રિવેદીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ જાહેર થયો છે. આ બન્ને કર્મચારિઓના રિપોર્ટ પોઝિટિવ આવતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યાં આજરોજ ફરી રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં જી સ્વાનના જ બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે. બીજી તરફ જિલ્લા કલેકટર કચેરીમાં સુરક્ષા પણ સઘન બનાવવામાં આવી છે. કચેરીમા અરજદારોને બિન જરૂરી પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અગાઉ ગોપીબેનનો રિપોર્ટ પોઝિટિવ આવતા પીઆરઓ શાખાને બંધ કરવામાં આવી હતી. ઉપરાંત તેઓની સાથે કામ કરતા નાયબ મામલતદાર સહિતના ૬ કર્મચારીઓને ક્વોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા.
નવા આવેલા બે કેસોને લીધે જી- સ્વાન અને રજીસ્ટ્રી શાખા પણ બંધ કરી દેવામાં આવી છે. સાથે જી- સ્વાન શાખામાં રાહુલ ત્રિવેદીના સંપર્કમાં આવેલા ત્રણ કર્મચારીઓ અને રજીસ્ટ્રી શાખામાં કિરણબેન મારુંના સંપર્કમાં આવેલા ૮ કર્મચારીઓને હોમ ક્વોરન્ટાઇન કરાયા હોવાનું જાણવા મળ્યું છે.
કોરોનાગ્રસ્ત જી- સ્વાનના મેનેજરે પંકજકુમારની બેઠક ઉપરાંત તમામ વીડિયો કોન્ફરન્સમાં આપી હતી હાજરી
જિલ્લા કલેકટર કચેરીના જી- સ્વાનના મેનેજર રાહુલ ત્રિવેદી ગઈકાલે રાજકોટ આવેલા અધિક મુખ્ય સચિવ પંકજ કુમારની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કલેકટર કચેરીમાં કોરોનાની વ્યવસ્થા સંદર્ભે યોજાયેલી થોકબંધ વીડિયો કોંફરન્સમાં પણ હાજરી આપતા હતા. તેઓ વીડિયો કોંફરન્સમાં ટેક્નિકલ સેટઅપ સંભાળતા હતા. આમ તેઓ અધિકારીઓના સંપર્કમાં આવ્યા હોય તો નવાઈ નહિ. વધુમાં રજીસ્ટ્રી શાખામાં પણ બહારથી અનેક અરજદારો આવતા હોય ત્યાંના કોરોનાગ્રસ્ત કર્મચારી કિરણબેન મારૂ પણ અરજદારોના સંપર્કમાં આવ્યા હોય તેવી શક્યતાઓ છે.