પ્રાથમિક તપાસમાં 2700 બોગસ જીએસટી નંબરો દેશવ્યાપી હોવાનું ખુલ્યું
ગુજરાત રાજ્યમાં હાલ જે રીતે જીએસટીના બોગસ બીલીંગ કોભાંડો સામે આવ્યા છે તેમાં જીએસટી વિભાગે વધુ 4 આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે ને 4 આરોપીઓ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં તપાસમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ છે કે આરોપીઓની સ્થળની ઓળખ ન થાય તે માટે પ્રોક્સી સર્વરનું ઉપયોગ કરવામાં આવતો હતો. અને સાથે આધારનો ‘આધાર’ લઇ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તપાસમાં એ વાત સામે આવી કે સમગ્ર રાજ્યમાં ભાવનગરના 4 આરોપીઓ જે રીતે બોગસ બિલિંગ કૌભાંડ આચરતા હતા તેનાથી રાજ્યની કર આવકમાં ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડ્યો હતો.
અલગ અલગ રાજ્યોમાં બોગસ પેઢીઓ આ આરોપીઓ દ્વારા બનાવવામાં આવી હતી અને તેમના દ્વારા 4120 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ આચરીને 114 કરોડની કરચોરી કરી હોવાનો પણ ધડાકો થયો હતો જે વાત સામે આવતા જ અનેક નવા ઘટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ભાવનગરના જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમના દ્વારા તેમના કોઈ સ્થળની ઓળખ ન થાય તે માટે પ્રોક્ષી સર્વર નો ઉપયોગ કરવામાં આવતો હતો અને આરોપીઓ વિવિધ જગ્યાઓએથી બોગસ બીલિંગ કૌભાંડ આચરતા હતા.
છેલ્લા 8 મહિનામાં 1500 જેટલા આધારકાર્ડને અપડેટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 470 જીએસટી નંબર બોગસ ઉભા કરવામાં આવ્યા હતા.જેમાંથી 118 જીએસટી નંબર ગુજરાત માજ જોવા મળ્યા છે. જીએસટી કૌભાંડ આચરવા માટે હાલ આરોપીઓ દ્વારા એમ.ઓ બદલવામાં આવી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ પણ આ પ્રકરણમાં અન્ય ગુનેગાર અને આરોપીઓની ધરપકડ થાય તો નવાઈ નહીં અને તપાસનો ધમધમાટ હજુ પણ લાંબા સમય સુધી ચાલશે. ભાવનગરના બે આરોપીઓ સમગ્ર રાજ્ય અને દેશના અન્ય રાજ્યોમાં આ બોગસ બીલિંગ કૌભાંડ આચરતા હતા ત્યારે તેમનું સંગઠન અને તેમની સાથે જોડાયેલા કયા કયા લોકો કૌભાંડમાં જોડાયેલા છે તેનો પણ પડદાફાશ કરવામાં આવશે. તરફ હવે દરેક સેન્ટ્રલ અને સ્ટેટ એજન્સીઓ પછી તે આવકવેરા વિભાગ હોય કે જીએસટી વિભાગ કરચોરી કરનાર દરેક લોકો ઉપર આકરા પગલા અને આખરી કાર્યવાહી કરી રહી છે અને તમામ કૌભાંડ્યોને ઝડપવામાં આવી રહ્યા છે.