ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
જૂનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓના બદલે ડમી વિદ્યાર્થીઓ બેસાડવા માટે પકડી પાડેલ બોગસ રિસિપ્ટ બનાવવાના કૌભાંડમાં પોલીસ રિમાન્ડ ઉપર રહેલા ૩ આરોપીઓ બાદ મુખ્ય આરોપી રણજીત ગઢવીને પણ પોલીસે સકંજામાં લઇ તપાસ અને પૂછપરછ કરતા અને અનેક હકીકતો સામે રહી છે.
જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં બનાવેલ જુદી જુદી પોલીસ ટીમો દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, રિમાન્ડમાં રહેલ આરોપી રાજેશ ગુજરાતી ટ્યુશન કલાસ ચલાવે છે અને આરોપી રાણાભાઈ ગઢવી કે જે હાલમાં ધોરાજી એસટી ડેપોમાં કંડકટર તરીકે નોકરી કરતો હોય, મુખ્ય સૂત્રધાર આરોપી રાજેશ ગુજરાતીના ટ્યુશન ક્લાસમાં ભણતો હતો. પકડાયેલ આરોપી રાણાભાઇ ગઢવી ભણવામાં હોશિયાર હોય, બીસીએ સુધી અભ્યાસ કરેલ છે અને હાલમાં પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી, આગળ નોકરી મેળવવાના પ્રયત્નો કરી રહેલ છે. ત્યારે આરોપી રાણાભાઇ ગઢવીને પિતાની બીમારી સબબ રૂપિયાની જરૂરિયાત હોઈ, તેને આરોપી રાજેશ ગુજરાતીનો સંપર્ક કરી, ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપવાના કામ કરવા પ્રેરાયેલ હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે.
જ્યારે આરોપી રામજીભાઈ નાથાભાઈ ધારેચા (રહે. કુકસવાડા ગામ તા. માળીયા હાટીના) સને ૨૦૦૯ ની સાલમાં તા. ૨૦-૩-૨૦૦૯ ના રોજ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.એસ.સી.ની પરીક્ષા દરમિયાન પરીક્ષાર્થી આરોપી હીરાભાઈ લખમણભાઇ સોલંકી (રહે. કુકસવાડાગામ તા. માળીયા)ના બદલે અંગ્રેજી વિષયનુ પેપર આપતા, ડમી વિદ્યાર્થી તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી જૂનાગઢના ચેકીંગ સ્કવોર્ડ દ્વારા બોગસ પ્રવેશ પત્ર સાથે મળી આવેલ હતો. અને ચોરવાડ ખાતેના આ ગુન્હામાં પકડાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે પીપી પુંજાભાઇ સોલંકી આહીર (રહે. ઘેડ બામણાસા તા. કેશોદ)ને પકડી પાડવામાં આવેલ હતો. આ ગુનામાં કુલ પાંચ આરોપીઓને પકડી પાડી અને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે છેતરપિંડી અને ઠગાઈ તેમજ એકબીજાને મદદગારી કરી ડમી વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતા પકડાઈ જવા અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનો હાલમાં માળીયા કોર્ટમાં ચાલુ છે. આમ, આ ગુન્હામાં પકડાયેલ આરોપી પ્રવિણ ઉર્ફે પીપી પુંજાભાઈ સોલંકી ભૂતકાળમાં પણ આ પ્રકારના ગુન્હામાં પકડાયેલ હોવાની વિગતો તપાસ દરમિયાન પ્રકાશમાં આવી છે.