મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે પોતાની ઓફિસમાં ટીવી પર આખી ઘટના લાઈવ નિહાળી
હાલ ગુજરાતમાં કોરોના વાયરસ સામે નાગરિકોને સતર્ક અને જાગૃત કરવા પ્રશાસન દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે, જાહેરમાં થુંકતા અને જાહેરમાં કોગળા કરવા પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતા-કોગળા કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આજે જાહેરમાં થુંકતા-કોગળા કરતા કુલ ૪ વ્યક્તિઓને રૂ. ૫૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો. આ ચાર પૈકી એક વ્યક્તિને મ્યુનિ. કમિશનરએ પોતાની ચેમ્બરમાં વિડીયોમાં સીસીટીવીની મદદથી લાઈવ નિહાળ્યા બાદ મનપાની ટીમને સ્થળ પર રૂબરૂ મોકલી એ વ્યક્તિને રૂ. ૫૦૦/- નો દંડ કરાવ્યો હતો. આ વ્યક્તિને જાહેરમાં થુંકતા અને ત્યારબાદ દંડની વસૂલાતની સમગ્ર ઘટના કમિશનરએ લાઈવ નિહાળી હતી.
આ અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે આજરોજ મહાનગરપાલિકા દ્વારા ડો. યાજ્ઞિક રોડ પર આવેલ ચા-પાનની દુકાનોએ જાહેરમાં થુંકતા કે જાહેરમાં કોગળા કરતા વ્યક્તિઓને દંડ કરવામાં આવ્યો હતો, જેમાં યાજ્ઞિક રોડ ઓલ્ડ એન્ડ ન્યુ બુક સ્ટોલ પાસે ઉભેલા કીર્તિરાજસિંહ જાડેજાને મ્યુનિ. કમિશનરએ પોતાની ઓફિસમાં સીસીટીવી મારફત લાઈવ કોગળા કરતા તેમને રૂ. ૫૦૦/-નો દંડ કરવામાં આવ્યો હતો, ઉપરાંત સર્વેશ્વર ચોક, મેહુલ કિચન પાસે રાજુભાઈ, યાજ્ઞિક રોડ પરથી જીગ્નેશભાઈ અને સર્વેશ્વર ચોક પરથી અનિલભાઈ પરમારને રૂ. ૫૦૦/- નો દંડ કરવામાં આવ્યો હતો. કુલ ૪ વ્યક્તિઓ પાસેથી રૂ. ૨,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.