અબતક,રાજકોટ
સાવરકુંડલા તાલુકાના ભમ્મર ગામના દલિત પરિવારની ચાર વ્યક્તિએ એક સાથે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો છે. પરિવારની પુત્રવધૂના પાડોશી સાથેના આડા સંબંધના કારણે એક વર્ષ પહેલાં પુત્રના થયેલા શંકાસ્પદ મોતની ઉંડી તપાસ પોલીસ દ્વારા ન થતા માતા, પિતા અને પતિ-પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
પુત્રવધૂના આડા સંબંધોના કારણે પુત્રના થયેલા શંકાસ્પદ મોત
અંગે ઉંડી તપાસ કરવાની માગણી સાથે બે મહિલા સહિત ચારે ઝેર ગટગટાવ્યું
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભમ્મર ગામે રહેતા હકાભાઇ ભીમાભાઇ ખીમસુરીયા, તેના પિતા ભીમાભાઇ ભાણાભાઇ ખીમસુરીયા, માતા સોમીબેન ભીમાભાઇ ખીમસુરીયા અને પત્ની રેખાબેન હકાભાઇ ખીમસુરીયાએ ગઇકાલે સાંજે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ચારેયને સારવાર માટે સાવર કુંડલા દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયા છે.
હકાભાઇના ભાભી મનિષાબેન વિનુભાઇ ખીમસુરીયાને પાડોશમાં રહેતા એક સંતાનના પિતા દિપક હમીર વાળા સાથે આડો સંબંધ હોવાનું હકાભાઇએ જણાવી તેના કારણે જ એક વર્ષ પહેલાં મનિષાબેનના પતિ વિનુભાઇ ખીમસુરીયાનું શંકાસ્પદ રીતે મોત નીપજ્યું હોવાનું કહ્યું હતું.
સેન્ટ્રીગનું કામ કરતા દિપક વાળા અને મૃતક વિનુભાઇ ખીમસુરીયા પાડોશમાં રહેતા હોવાથી બંને વચ્ચે સારો સંબંધ હોવાથી દિપક વાળા અવાર નવાર વિનુભાઇ ખીમસુરીયાના ઘરે આવતો હોવાથી તેની પત્ની મનિષા સાથે આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
મનિષા અને દિપક વાળા વચ્ચેના 2017થી પ્રેમ સંબંધ ચાલતો હતો દરમિયાન એકાદ વર્ષ પહેલા મનિષાના પતિ વિનુભાઇ ખીમસુરીયાનું મોત થયું હોવાથી તેની આડા સંબંધના કારણે હત્યા કરવામાં આવ્યાના હકાભાઇ ખીમસુરીયાના પરિવાર દ્વારા આક્ષેપ કરાયા હતા પરંતુ પોલીસ દ્વારા આ દિશામાં તપાસ થઇ ન હોવાથી ઝેર પી સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યાનું ટ્રક ચાલક હકાભાઇ ભીમાભાઇ ખીમસુરીયાએ જણાવ્યું હતું.