- રીક્ષા અને મોબાઈલ સાથે બે મહિલા સહિત કુલ ચાર શખ્સોની ધરપકડ કરતી ભક્તિનગર પોલીસ
શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ, મોબાઈલ, દાગીના પડાવી લેતી ગેંગના ચાર સભ્યોની ભક્તિનગર પોલીસે ધરપકડ કરી છે. બે મહિલાઓ સહીત કુલ ચાર શખ્સોણી ધરપકડ કરી મોબાઈલ, રીક્ષા સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી નજર ચૂકવી રોકડ-મોબાઈલ સહીતની મત્તા પડાવી લેતી ગેંગ સક્રિય થયાના અહેવાલો છાસવારે સામે આવતા હોય છે. મુસાફરોના ખિસ્સા હળવા કર્યા બાદ ઉલ્ટી-ઉબકાના નાટક કરી પેસેન્જરને ઉતારી દઈ નાસી જતી ટોળકીને પકડી પાડવા ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ ભક્તિનગર પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ જે જે ગોહિલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા અને કરણભાઈ કોઠીવાલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુસાફરોને રીક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રોકડ, મોબાઈલ ફોન સેરવી લેતી ટોળકી કોઠારીયા રોડ પર આંટા મારી રહી છે અને ટૂંક સમયમાં કોઠારીયા રોડ પર આવેલ સ્વિમિંગ પુલ નજીકથી આ ટોળકી પસાર થવાની છે.
બાતમી મળતાની સાથે જ ભક્તિનગર પોલીસની ટીમે કોઠારીયા રોડ પર વોચ ગોઠવી શંકાસ્પદ ટોળકીને પકડી તેમની પાસે હાજર વન પ્લસ કંપનીના મોબાઈલ ફોનનો આધાર પુરાવો માંગતા ટોળકી કોઈ જ પુરાવો રજુ કરી શકી ન હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલી રીક્ષાના પણ કોઈ પુરાવા મળી આવ્યા ન હતા ત્યારે રીક્ષામાં હાજર ચારેય શખ્સોંનો ગુનાહિત ઇતિહાસની ખરાઈ કરવામાં આવતા ટોળકીના ત્રણ સભ્યો વિરુદ્ધ અગાઉ પણ આ મોડસ ઓપરેન્ડીથી ચોરીને અંજામ આપ્યાના ગુના નોંધાઈ ચુક્યાનું સામે આવતા આ ટોળકી રીક્ષાગેંગની જ હોવાનું ફલિત થતાં ભક્તિનગર પોલીસની ટીમે ભાવેશ ગૂંગાભાઈ વાજેલીયા(ઉ.વ.37 રહે. રૈયાધાર, રાજકોટ), કિશન મગન ડાભી(ઉ.વ.25 રહે. બાપાસીતારામ ચોક, માલધારી સોસાયટી, રાજકોટ), બેનાબેન રાહુલભાઈ દંતાણી(ઉ.વ.28 રહે. ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર, જામનગર રોડ, રાજકોટ) અને હિના ઉર્ફે ડેભી ધર્મેશ જાદવ(ઉ.વ.24 રહે ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર, જામનગર રોડ, રાજકોટ)ની ધરપકડ કરી મોબાઈલ, રીક્ષા સહીત રૂ. 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત છે કે, ભાવેશ વાજેલીયા, બેના દંતાણી અને હિના જાદવ અગાઉ તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચુક્યા છે.