સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા અને મૃતઆંક ચિંતાજનક રીતે વધારો

રાજકોટ શહેરમાં બે દિવસમાં ચાર લોકોનાં સ્વાઈન ફ્લૂને કારણે મોત: કુલ મૃતઆંક ૪૯ પર પહોંચ્યો 

રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફ્લૂ વોર્ડમાં હજુ૧૮ દર્દીઓની સારવાર: વધુ ૧૦ના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલુની દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં બે દિવસમાં ૪ દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફ જુદી જુદી હોસ્પિટલોમાં ૬ દર્દીઓની હાલત ગંભીર ગણવામાં આવી રહી છે. સ્વાઈન ફલુના શંકાસ્પદ લક્ષણો ધરાવતા ૨૨ દર્દીના સેમ્પલ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેમાં ૧૧ રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા. વધુમાં તાલુકા કક્ષાએ મેડિકલ સ્ટોરમાં દવાઓ ઉપલબ્ધ થાય તે માટે ડ્રગ વિભાગને સુચના આપવામાં આવી છે. રાજકોટ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, ગીર-સોમનાથ વગેરે વિસ્તારોમાં પણ સ્વાઈન ફલુ ધીમી ગતીએ વકરી રહ્યો છે. સામાન્ય રીતે ઠંડીની ઋતુમાં ઝડપથી ફેલાતા સ્વાઈન ફલુએ ચોમાસામાં પણ માઝા મુકી છે. સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદમાં પણ સ્વાઈન ફલુએ અજગરી ભરડો લીધો છે અને પ્રતિદિન સ્વાઈન ફલુના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે.

સ્વાઈન ફલુ વકરી રહ્યો હોવાથી તંત્ર આ બાબતે અસરકારક પગલા ભરે તેવી માંગ ઉઠી રહી છે. તો બીજી તરફ લોકોને સ્વાઈન ફલુથી કેવી રીતે બચવું તે માટેની જાણકારી આપવાના પ્રયાસો પણ વધુ પ્રમાણમાં થવા જોઈએ. સામાન્ય રીતે સ્વાઈન ફલુ માટે દર્દીઓને આપવામાં આવતી ટેમીફલુની દવા સેડયુઅલ એકસમાંથી સરકારે ૧૫ દિવસ અગાઉ કાઢી નાખી છે. પણ આ નિર્ણયની જાણ મોટાભાગના મેડિકલ સ્ટોરના સંચાલકોને નહીં હોવાથી તાલુકા લેવલે ટેમીફલુની દવા ન હોવા અંગે તાકીદ કરીને સ્થાનિક લેવલે જ દર્દીઓને દવા ઉપલબ્ધ થાય તેનું મોનીટરીંગ કરવા સુચના આપવામાં આવી છે.

સામાન્ય રીતે શિયાળાની ફૂલગુલાબી ઠંડીમાં ઝડપથી ફેલાતા જીવલેણ મનાતા સ્વાઈન ફલૂએ ગુજરાતમાં અજગરી ભરડો લીધો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની સંખ્યા અને મૃત્યાંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દરમિયાન રાજકોટ શહેરમાં બે દિવસમાં ચાર લોકોનાં સ્વાઈન ફ્લૂને કારણે મોત નીપજતા કુલ મૃત્યુઆંક ૪૯ પર પહોંચ્યો હતો. તેમ જ રાજકોટની સિવિલ હોસ્પિટલના સ્વાઈન ફ્લૂ વોર્ડમાં હજુ ૧૮ દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે જેમાંથી ૧૦ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગોંડલના પાટ ખીલોરી ગામની ૩૦ વર્ષીય મહિલાનું મોત થતા છેલ્લા બે દિવસમાં સ્વાઈન ફ્લૂને કારણે ચોથી વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ પહેલા શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીને તાવ, શરદી ઉધરસની સારવાર માટે ૩૦ જુલાઈના રોજ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સ્વાઈન ફ્લૂ હોવાનું જણાતા ખાસ વોર્ડમાં સઘન સારવાર હેઠળ રખાયેલી યુવતીએ સોમવારે દમ તોડી દીધો હતો. જ્યારે અન્ય એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ગવરીદડના ૬૫ વર્ષીય કડવીબહેન ગજેરાને સ્વાઈન ફ્લૂની શંકાથી ત્રણ દિવસ પહેલાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનો સ્વાઈન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર હેઠળ રખાયેલા વૃદ્ધાએ પણ દમ તોડી દીધો હતો. જ્યારે સરકારી હોસ્પિટલના સ્વાઈન ફ્લૂ વોર્ડમાં ૧૫ દિવસ પહેલા સારવાર માટે દાખલ થયેલા ધારીના ૫૦ વર્ષના પ્રૌઢે પણ અંતિમ શ્ર્વાસ લીધા હતા. ચાલુ વર્ષમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુનો આંક ૪૯ થયો છે. એક તરફ શહેર તથા જિલ્લામાં સ્વાઇન ફ્લૂનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે, તો બીજી બાજુ રોગનેનાથવામાં તંત્ર દ્વારા હાલ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.