પોલીસ કમિશનરની સહી સાથેનો નકલી નિમણુંક લેટર સાથે હાજર થવા આવેલા શખ્સની પૂછપરછમાં ચાર લાખનો વહીવટ કર્યાની સ્ફોટક કબુલાત
25 ફેબ્રુઆરીએ ટ્રેનિગ શરૂ થઇ અને તાલિમ માટે 19 ઓગસ્ટે આવતા કૌભાંડ બહાર આવ્યું
પોલીસની ભરતી પ્રક્રિયામાં ગેરરીતી ન થાય તે માટે તંત્ર દ્વારા તકેદારી રાખી હોવાથી લેભાગુ તત્વો વહીવટી કરી સેટીંગ કરી શકયા ન હોવાથી બારોબાર આર્થિક વહીવટ થયાની ચાર્ચ થતી હતી તે દરમિયાન જસદણ પંથકના એલઆરડીની ભરતી પ્રક્રિયા પુરી થયા બાદ ટ્રેનિંગ શરુ થયાની છ માસ બાદ બોગસ નિમણુંક પત્ર સાથે હાજર થવા આવતા પોલીસ કમિશનરની ખોટી સહી કરી બોગસ નિમણુંક પત્ર તૈયાર કરી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેની ચાર સામે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાન્ચે પિતા-પુત્ર સહિત ચારની ધરપકડ કરી તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે અને કેટલાને બોગસ નિમણુંક પત્ર આપ્યા તે અંગેની પૂછપરછ હાથધરી છે.
બોગસ નિમણુંકપત્રના આધારે એલઆરડી (પોલીસ કોન્સ્ટેબલ) તરીકે ભરતીનું મસમોટુ કૌભાંડ બહાર આવ્યું છે. જના આધારે ક્રાઈમ બ્રાન્ચે ચાર આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો છે.તપાસમાં લોકરક્ષકના બીજા બોગસ નિમણુંકપત્રો બનાવાયાની શંકા સાથે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાય.બી. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
લોકરક્ષક ભરતી બોર્ડ 2021 દ્વારા ભરતીપ્રક્રિયા કરવામાં આવી હતી. જેના પગલે ગઈ તા.13 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેર પોલીસને 332 ઉમેદવારોની ફાળવણી કરવામાં આવી હતી. ગઈ તા.19ના રોજ બપોરે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રદીપ ભરત મકવાણા (રહે.શિવરાજપુર, તા.જસદણ) હાજર થયો હતો. તેણે પોતે લોકરક્ષક ભરતી બોર્ડ 2021માં લેવાયેલી પરીક્ષામાં બિનહથિયારી લોકરક્ષક તરીકે પસંદગી પામ્યાનું જણાવી શહેર પોલીસ કમિશનરની સહિવાળો નિમણુંકપત્ર રજૂ કર્યો હતો. જેથી શીટ શાખામાં રેકર્ડની ચકાસણી કરાવાતા જાણવા મળ્યું હતું કે પ્રદીપે જે નંબરનો નિમણુંકપત્ર રજૂ કર્યો છે, તેના આધારે ગઈ તા.25 ફેબ્રુઆરીના રોજ મેહુલ ભરત તરબુડીયાની પસંદગી થઈ છે. હાલમાં મેહુલ પોલીસે હેડક્વાર્ટર ખાતે ટ્રેનિંગ લઈ રહ્યો છે. જેથી પ્રદીપે રજૂ કરેલોનિમણુંકપત્ર શંકાસ્પદ જણાતા તેની પોલીસે ઘનિષ્ઠ પૂછપરછ કરી હતી.જેમાં તેણે વટાણા વેરી નાખ્યા હતા.
તેણે એવી કબૂલાત આપી હતી કે 2021માં લેવાયેલી લોકરક્ષકની પરીક્ષાનું ફોર્મ તેણે ભર્યું હતું. જેમાં તે શારીરીક ક્ષમતા કસોટીમાં નાપાસ થયો હતો. આ અંગે તેના માસા ભાવેશને જાણ કરતા તેણે કહ્યું કે તેના ભાઈ બાલાને લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટીંગ છે. રૂા. 4 લાખમાં તે નોકરી અપાવી દેશે. પરીણામે પ્રદીપે તેના પિતા સાથે આ બાબતે વાતચીત કર્યા બાદ માસા ભાવેશને રૂા.2 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા. થોડા દિવસો બાદ માસા ભાવેશ અને તેના ભાઈ બાલાએ પ્રદીપ અને તેના પિતાને લોકરક્ષક તરીકે પસંદ થઈ ગયાનો નિમણુંકપત્ર બતાવી બાકીના રૂા.બે લાખ લઈ લીધા હતા. સાથોસાથ કહ્યું કે ટુંક સમયમાં ઓર્ડર ટપાલથી મળી જશે. તેમ જણાવ્યું હતુ.
ત્યારબાદ ગઈ તા. 25 જુલાઈના રોજ પ્રદીપને ટપાલથી ઓર્ડર મળ્યો હતો. એટલું જ નહીં ગઈ તા.9 ઓગસ્ટના રોજ એક મહિલાએ તેને કોલ કરી કહ્યું કે હું ગાંધીનગર એલઆરડીભવનથી બોલું છું. તમારે તા.19 ઓગસ્ટના રોજ રાજકોટ શહેર પોલીસમાં હાજર થવાનું છે.
જેથી પ્રદીપ ગઈ તા.19 ઓગસ્ટના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે હાજર થયો હતો અને તેનોનિમણુંકપત્ર બતાવ્યો હતો. પરંતુ આખરે તેનો ભાંડો ફુટી ગયો હતો.ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વાયબી જાડેજાએ આજે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા રીઝર્વ પોલીસ ઈન્સ્પેક્ટર મહમદશકીલ મકવાણાની ફરીયાદના આધારે આરોપી પ્રદીપ, તેના પિતા ભરતભાઈ, તેના માસા ભાવેશ ગોબરભાઈ ચાવડા અને ભાવેશના ભાઈ બાલા (રહે.બન્ને બરવાળા, તા.જસદણ) વિરૂધ્ધ પૂર્વ યોજીત કાવત્રુ રચી, બોગસ દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
ક્રાઈમ બ્રાંચે ચારેયની ધરપકડ કરી ભાવેશ અને તેના ભાઈ બાલાએ બોગસ નિમણુંકપત્ર ક્યાંથી મેળવ્યો તે અંગે ક્રાઈમબ્રાન્ચે તપાસ શરૂ કરી છે. આ કૌભાંડમાં બીજા આરોપીઓની પણ સંડોવણી ખુલવાની શક્યતા છે.
એટલું જ નહીં બીજા પણ નકલી નિમણુંકપત્રો બનાવાયાની શંકા સાથે વિશેેષ પૂછપરછ માટે ચારેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.