- આ સાધુઓ સમાજને સાચો રાહ કેમ બતાવશે?
- રાજકોટ, અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગરમાં સાધુઓ વિરુદ્ધ આર્થિક છેતરપિંડીના આક્ષેપ સાથે પોલીસને રજુઆત
સમાજને સાચો રાહ બતાવવાની જેમની ફરજ છે તેવા ’ભગવાધારી’ સાધુઓ જ આર્થિક છેતરપિંડી આચરવા લાગે અને ગુનાખોરીના રસ્તે ચડી જાય ત્યારે આવા સાધુઓ સમાજને કેવી રીતે સાચો રાહ બતાવી શકશે તેવો મોટો સવાલ ઉભો થયો છે. આ સવાલ ઉદભવવા પાછળનું કારણ એ છે કે, રાજ્યના તબક્કાવાર અલગ અલગ ચાર આ પ્રકારના બનાવો સામે આવ્યા છે. અગાઉ રાજકોટના સાધુ સાથે અમુક શખ્સો ઝપાઝપી કરતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જે બાદ આ સમગ્ર મામલો જમીન અને આર્થિક છેતરપિંડીમાં ઉદભવ્યો હતો તેવું સામે આવ્યા સાધુઓ દ્વારા સ્વામિનારાયણ મંદિર માટે જગ્યાના નામે ટોકન પેટે મોટી રકમ અપાવી દીધા બાદ છેતરપિંડી આચરી લીધાના અન્ય ત્રણ જેટલાં બનાવ પણ સામે આવ્યા છે.
રાજકોટ, અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગરમાં આ પ્રકારના ચાર જેટલાં બનાવો સામે આવ્યા છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સ્વામિનારાયણ મંદિર માટે જગ્યાની જરૂરિયાત હોય પણ સંત સંપ્રદાયની મર્યાદાના કારણે સીધા ખેડૂતને મળી નથી શકતા, તમે જગ્યા લઈ લો અમે તમારી પાસેથી ખરીદી લઇશું તેવા બહાના તળે આર્થિક છેતરપિંડી આચરી લીધાના આ બનાવોએ સંત સમાજમાં પણ ચકચાર મચાવ્યો છે.
સંત હોવાના લીધે સીધા જ ખેડૂત પાસેથી જમીનનો સોદો કરીએ તો ગરિમા જળવાય નહિ માટે કોઈક વ્યક્તિને ખેડૂત પાસેથી જમીન લઇ લેવા જણાવી, અમે તમારી પાસેથી ઉંચા ભાવે જમીન ખરીદી લઈશું તેવું જણાવી કરોડો રૂપિયાનું ટોકન અપાવી બાદમાં જમીન લેવા માટે ગલ્લા તલ્લા કરી આર્થિક છેતરપિંડી આચરી લીધાના આક્ષેપ સાથે રાજ્યમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ચાર જેટલી અરજી–ફરિયાદ થઇ છે. જે પૈકી સુરત અને વિરમગામ પોલીસ સ્ટેશનમાં તો ગુના પણ નોંધાયા છે. આ ઉપરાંત સુરત, રાજકોટ, સુરેન્દ્રનગર, આણંદ અને ગાંધીનગર જિલ્લાના વેપારીઓ સાથે થયેલી ઠગાઈના કિસ્સામાં સાધુઓ સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે. આ પ્રકારના સાધુઓ ખરેખર તો સંત સમાજને લાંછન લગાવી રહ્યા છે.
પ્રથમ બનાવની જો વાત કરવામાં આવે તો રાજકોટના જસ્મિનભાઈ માઢકના નામના યુવાને પોલીસને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, વિજય પ્રકાશ ઉર્ફે વી.પી. સ્વામી, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે.કે સ્વામી, માધવ પ્રિય સ્વામી ઉર્ફે એમ.પી સ્વામી, દેવપ્રકાશ સ્વામી ઉર્ફે દેવપ્રિય સ્વામી સહિત આઠેક લોકો સામે કરોડથી વધુ રૂપિયા લઈ ઠગાઈ કર્યાની પોલીસ અરજી કરી ગુનો નોંધવા દાદ માગી છે. જસ્મિનભાઈ અને તેમના મિત્રોએ જે–તે વખતે રૂપિયાની લેતી–દેતી સમયના વીડિયો રેકોર્ડિંગ પણ કરીને પોલીસને આપ્યા હોવાનું તેમનું કહેવું છે.
બીજા બનાવમાં સુરેન્દ્રનગર પોલીસને અરજી આપતા મિહિર દુબલ નામના વ્યક્તિએ પણ માધવ સ્વામી અને દર્શન સ્વામી સહિત ચાર વિરૂદ્ધ આજ રીતે ડાકોરની જગ્યા માટે ઠગાઈ કર્યાનો આરોપ લગાવ્યો છે. જેમાં મિહિર દુબલ પાસે 70 લાખથી વધુની ઠગાઈ થયાનો આરોપ અરજીમાં લગાવવામાં આવ્યો છે.
ત્રીજા બનાવમાં અમદાવાદના ગોતામાં રહેતા નયન યાદવે વિરમગામમાં પોલીસ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો છે કે, માધવપ્રિય સ્વામી, મહંત ઋષિકુલ ગૌધામ (પાનેલી, ભરૂચ)એ તેમની ટોળકી સાથે મળી વિરમગામ નજીકની એક જગ્યા મંદીરને ખરીદવી છે કહી તેમની પાસે અંદાજે એક કરોડ રૂપિયાનું ટોકન અપાવી ઠગાઈ કરી છે. આ ગેંગ વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધી આરોપી સ્વામી સહિતના લોકોની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે.
અંતિમ બનાવ સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં હિમાંશુ શાહ નામના વ્યક્તિએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરતા આરોપ લગાવ્યો છે કે, જે.કે સ્વામીએ જમીન લેવાનું કહી તેમને કોઈ ખેડૂતને ટોકન અપાવી એક કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. ઉલ્લેખનિય છે કે, સુરતના વરાછા પોલીસમાં આવી એક ફરિયાદ થોડા સમય પહેલાં જ નોંધાઈ છે.
ખેડૂત, જમીન દલાલ પણ ઠગ ટોળકીનો જ ભાગ!!
સાધુઓ વિરુદ્ધ થયેલી અલગ અલગ અરજીઓ અને ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ ટોળકીનો એક વ્યક્તિ પહેલા મિત્રતા કરે છે. ત્યાર બાદ વિશ્વાસ કેળવીને સાધુ પાસે લઈ જાય છે. સાધુ જે તે વ્યક્તિને જે તે દલાલ પાસે જઈ જમીન લેવા માટે જણાવે છે. જે બાદ જમીન દલાલ ખેડૂત પાસે લઇ જાય છે. હવે આક્ષેપ એવો પણ છે કે, ખેડૂત,જમીન દલાલ સાધુઓની ટોળકીનો જ ભાગ હોય છે. ટોકનના રૂપિયા આવી જાય પછી તમામ વ્યક્તિઓ ગલ્લાંતલ્લાં કરવા લાગે છે.