સવારથી રાજ્યના 57 તાલુકાઓમાં મેઘકૃપા
આજે સવારથી રાજ્યના 57 તાલુકાઓમાં મેઘકૃપા વર્ષી રહી છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. દરમિયાન આવતીકાલથી ફરી વરસાદનું જોર વધે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
આજે સવારથી સોરઠ પંથકમાં મેઘરાજાનો મુકામ જોવા મળી રહ્યો છે. કેશોદમાં સવારે 10 થી લઇ બપોરે 2 વાગ્યા સુધીમાં અનરાધાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં મેંદરડામાં અઢી ઇંચ, વંથલીમાં દોઢ ઇંચ, ભેંસાણમાં દોઢ ઇંચ, વિસાવદરમાં સવા ઇંચ, માંગરોળમાં સવા ઇંચ, ધોરાજીમાં એક ઇંચ, બગસરામાં એક ઇંચ, માળીયા હાટીનામાં એક ઇંચ, માણાવદરમાં એક ઇંચ, અમરેલીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.
લીલીયા, જુનાગઢ, જેસર, ખાંભા, તાલાલા, ધારી, સાવર કુંડલા, જાફરાબાદ, સુત્રાપાડામાં ઝાપટા પડ્યા હતા. સતત 20 દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે.