એકના ડબલ કરવાની સ્કીમમાં રાજકોટના એક પ્રોઢને મહિલા સહિત ચાર શખ્સો છેતરી તેના રૂ.11 લાખ પડાવી ગયા હતાજેમાં એક મહિલા સહિત ચાર શખ્સ કુવાડવા રોડ પર એક મકાનમાં આવ્યા હતા અને પ્રોઢએ ડબલ કરવા રૂ.11 લાખ વિધિમાં મુક્યા હતા, થોડીવાર વિધિનો ઢોંગ કરી મહિલા સહિત ચારેય શખ્સ નાસી છૂટ્યા હતા, જોકે પોલીસે ફરિયાદ થતા પોલીસે ગણતરીની કલાકોમાં જ મહિલા સહિત બેને તમામ રોકડ સાથે ઝડપી પાડી વધુ કાયેવાહી હાથધરી છે.
વિગતો મુજબ કુવાડવા રોડ પર રહેતા અને સમૃદ્ધિ ભવનમાં આવેલી એસઆર આંગડિયા પેઢીમાં નોકરી કરતા પાટણના મેરવાડા ગામના વતની જોરૂભા જીવાજી દરબાર (ઉ.વ.48) એકાદ વર્ષ પહેલા પોતાની કારમાં તેના વતનથી રાજકોટ આવતા હતા અને ચાણસના વડાવલી ગામે હોટેલે વડાવલીનો ભરત નામના શખ્સ સાથે પરિચય થયો હતો અને ભરતે પોતાની પાસે એક સાધ્વી સહિતના લોકો છે જે એકના ડબલ પૈસા કરી આપે છે.
જોરૂભાએ તેની વાતને ધ્યાને લીધી નહોતી, જોકે બાદમાં ભરત અવાર નવાર ફોન કરીને પૈસા ડબલ કરી દેવાની લાલચ આપતો હતો, જે લાલચમાં એક વાર પ્રોઢ આવી ગયા હતા અને પૈસા ડબલ કરવા તેને ઘરે આવવા આમંત્રણ આપ્યું હતું.મોટી રકમ ડબલ થાય તો પોતાને વધારે પૈસા મળે તેવી લાલચમાં જોરૂભાએ મંગળવારે સવારે તે જ્યાં નોકરી કરતા હતા ત્યાં હોસ્પિટલના કામે પૈસાની જરૂર છે તેમ કહી રૂ.11 લાખ ઉછીના લીધા હતા.
બાદ બીજા દિવસે ભરત, શાંતુજી, સાધ્વીના સ્વાંગમાં રહેલી મહિલા એક કારમાં આવી પહોંચ્યા હતા, કારચાલક કારમાં જ બેઠો રહ્યો હતો, ભરત સહિતના ત્રણેય શખ્સ મકાનના ઉપરના માળે રૂમમાં વિધિ કરાવવા ગયા હતા, થોડીવાર વિધિ થયા બાદ સાધ્વીના સ્વાંગમાં રહેલી મહિલાએ જેટલી રકમ ડબલ કરવી હોય તેટલી રકમ મુકવાનું કહેતા જોરૂભાએ રૂ.11 લાખ રોકડા મુક્યા હતા,ત્યારબાદ ફરીથી તે મહિલાએ વિધિનો ઢોંગ કર્યો હતો.
બાદમાં મહિલાએ જોરૂભા, ભરત અને શાંતુજીને એક રૂમમાં જતા રહેવાનું કહેતા ત્રણેય રૂમમાં જતા જ મહિલાએ બહારથી બારણું બંધ કરી દીધું હતું અને રોકડ લઇ કારમાં નાસી ગઇ હતી, લાંબો સમય વિતવા છતાં બારણું નહીં ખૂલતા જોરૂભાઇએ રૂમની બારીમાંથી બહાર નીકળી તપાસ શરૂ કરી હતી અને પોલીસને જાણ કરી હતી.તેમજ રૂમનું બારણું ખોલતા ભરત તથા શાંતુજી પણ તેની સાથે મહિલાની શોધમાં જોડાયા હતા.ફરિયાદ બી.ડિવિઝનમાં થતા ટીમે ચોક્કસ બાતમી આધારે મહિલા અને કારચાલકને ઝડપી લઇ રૂ.11 લાખ કબજે કર્યા હતા.