નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી, આર્મી અને પોલીસને મળી મોટી સફળતા
છેલ્લા ઘણા સમયથી ભારતનું સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ પુરજોશમાં ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. જેને ડામવા માટે ભારત દેશે તમામ પ્રકારે પગલા ભરી નાપાક પાકિસ્તાન દ્વારા આતંકી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતા કોર્નર કર્યું છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં આર્મી સ્થાનિક પોલીસ વિભાગ અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી પોતાની કામગીરીને બખુબી રીતે નિભાવી રહ્યા છે ત્યારે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મોટી સફળતા મળતા હિઝબુલ મુઝાહીદીનનાં ચાર ખુંખાર આતંકીઓને જમ્મુ-કાશ્મીરનાં કિસ્તવર પ્રાંતમાંથી પકડી પાડવામાં આવ્યા છે.
નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીને મળી બાતમીનાં આધારે હિઝબુલ મુઝાહીદીનનાં આતંકી નેટવર્કને પડી ભાંગવામાં આવ્યું છે તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. અત્યાર સુધી ઈન્વેસ્ટીગેશન એજન્સી, સ્થાનિક પોલીસ અને આર્મી દ્વારા કરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં ૧૬ આતંકીઓને પકડી પાડવામાં આવ્યા છે. હાલ જે ચાર ખુંખાર આતંકીઓને પકડવામાં આવ્યા છે તેમાં ફારૂક ભટ્ટ, મંજુર ગની, મસુદ અને નુર મોહમદ મલિકને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીએ પકડી પાડયા છે. હાલ સ્થાનિક પોલીસ અને એનઆઈએ દ્વારા ૪૫ લોકોને પ્રશ્ર્નોતરી કરવામાં આવી રહી છે તેમાંથી ૧૬ લોકોને પકડી પાડયા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. કિસ્તવર જિલ્લામાં ચાર લોકોનાં મર્ડર કરવામાં આવ્યા હતા જેમાં વરિષ્ઠ બીજેપી લીડરનો પણ સમાવેશ થયો હતો. શનિવારનાં રોજ બાટોટે ખાતે ત્રણ ખુંખાર આતંકવાદીઓને પ્રોત્સાહન દેનાર ઓસામા નામક આતંકીને એન્કાઉન્ટર દ્વારા મારવામાં આવ્યો છે ત્યારે દિન-પ્રતિદિન જે રીતે સંરક્ષણ વિભાગ કામગીરી હાથ ધરી રહ્યું છે તે જોતા એ લાગે છે કે, આતંકીઓમાં જાણે ડર પ્રસરી ગયો હોય.