રાજકોટ, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગરમાં બંધ મકાન અને દુકાનમાં હાથફેરો કર્યાની કબુલાત: ચાંદીની મૂર્તિ, પાંચ બાઇક, સબમશિબલ પંપ, ગેસના બાટલા
અને ટીવી મળી રૂ.૧.૪૧ લાખનો મુદામાલ કબ્જે
થોરાળા વિસ્તારના રામનગરમાંથી ચોરીના અનેક ગુનામાં સંડોવાયેલા ચાર રીઢા તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ઝડપી લેતા તેને રાજકોટ, વાંકાનેર, મોરબી અને સુરેન્દ્રનગરમાં બંધ મકાન, દુકાન, રેસ્ટોરન્ટ અને વાડી મળી ૨૨ સ્થળે ચોરી કર્યાની કબુલાત આપી છે. ચારેય તસ્કરો પાસેથી પોલીસે ગેસના બાટલા, ટીવી, કૂવા પરની મોટર, પંખા, ચાંદીની મૂર્તિ મળી રૂ.૧.૪૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર મોહસીન ઉર્ફે આસિફ જુસબશા રાઠોડ, થોરાળાના જહાગીરશા રહેમશા રાઠોડ, થાન સમીર ઉર્ફે સલીમ ઉર્ફે શાહરૂખ અલ્લારખા શાહમદાર અને થાનના મિતુલ પ્રવિણભાઇ પરમાર નામના શખ્સો ચોરીના ગુનામાં સંડોવાયેલાની બાતમીના આધારે ક્રાઇમ પી.આઇ. એચ.એમ.ગઢવી, પી.એસ.આઇ. પી.એમ.ધાખડા, હેડ કોન્સ્ટેબલ મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, નગીનભાઇ ડાંગર, કુલદીપસિંહ જાડેજા, ફસંજયભાઇ પાપરા, પ્રદિપસિંહ જાડેજા અને યોગરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રામનગર વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ચારેય તસ્કરોની પૂછપરછ દરમિયાન ચોટીલા, વાંકાનેર, થાન, રાજકોટ, ધમલપર લુણસર, જાલી, મોરબી, ગંજીવાડા અને બેડી ખાતે ૨૨ જેટલા બંધ મકાન, દુકાન, રેસ્ટોરન્ટ અને વાડીમાંથી પંખા, ટીવી, સબ મર્શીબલ પંપ, પાંચ બાઇક, ગ્રાઇન્ડર મશીન, ટેબલ ફેન, ગેસના બાટલાની ચોરી કર્યાની કબુલાત આપી છે. ચારેય તસ્કરો આ પહેલાં પણ ચોટીલા, થાન, વાંકાનેર અને રાજકોટમાં ચોરી કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસે તેની પાસેથી રૂ.૧.૪૧ લાખની કિંમત મુદામાલ કબ્જે કરી વધુ ચોરીના ગુનામાં સંડોવાયાની શંકા સાથે પોલીસે ચારેય શખ્સોને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.