જામનગરમાં બે વર્ષ પહેલા રાત્રિના સમયે એક યુવાન પર ચાર બુકાનીધારીઓએ હુમલો કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ ગુન્હા ઉપરાંત છ મહિના પહેલા એક યુવાન પર હરિયા કોલેજ માર્ગ નજીક મોટર-બાઈકમાં આવેલા શખ્સોએ જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાની ફરિયાદ થઈ હતી. આ બન્ને અણઉકેલ ગુન્હામાં સંડોવાયેલા કુખ્યાત તાજિયા ગેંગના ચારને એલસીબીએ પકડી પાડયા છે. જ્યારે અન્ય ચારના નામ ખૂલ્યા છે. ઉપરાંત અન્ય એક જમીન પચાવી પાડવાના ગુન્હાની પણ કબૂલાત મળવા પામી છે. એલસીબીએ બેઝબોલના ધોકા-બાઈક કબજે કર્યા છે.

જામનગરના શ્રીનિવાસ કોલોની વિસ્તારમાં ગઈ તા.૯-ર-૨૦૧૭ની રાત્રે સંજયભાઈ ગોવિંદભાઈ ડોબરિયા તથા તેમના મિત્રો ઓટલા પર બેઠા હતા ત્યારે બારેક વાગ્યે બે બાઈકમાં બુકાની બાંધીને આવેલા ચાર શખ્સોએ સંજયભાઈ કોણ છે તેમ પૂછયા પછી તેમના પર બેઝબોલના ધોકાઓ વડે હુમલો કરી બન્ને હાથ-પગમાં ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી જેની પોલીસમાં ફરિયાદ થયા પછી આરોપીઓ ઝડપાયા ન હતા તે ઉપરાંત ગઈ તા.ર૮-૯-૨૦૧૮ના દિને જામનગરના જય ભગવાન એપાર્ટમેન્ટમાં રહેતા ધર્મેશ મુળજીભાઈ પટેલ પોતાના બાઈક પર હરિયા કોલેજ રોડ પરથી જતાં હતા ત્યારે એક મોટર તેમજ મોટરસાયકલમાં ધસી આવેલા આઠથી દસ જેટલા શખ્સોએ તેઓને રોકી તલવાર, છરી, ધોકા, પાઈપ વડે હુમલો કરી તેઓની હત્યાનો પ્રયાસ કર્યો હતો.

આ બન્ને ગુન્હાઓ અણઉકેલ હતા જેની તપાસ એલસીબીને સોંપવામાં આવ્યા પછી સ્ટાફના ફિરોઝભાઈ દલ, લાભુભાઈ ગઢવી, નાનજીભાઈ પટેલને બાતમી મળી હતી કે, આ ગુન્હાઓમાં સંડોવાયેલા શખ્સો પૈકીના ચાર શખ્સો કાલાવડ નાકા બહાર આવેલી મહાપ્રભુજીની બેઠક પાસે એકત્ર થયા છે તે બાતમીથી પીઆઈ ડોડિયાને વાકેફ કરાયા પછી એલસીબીએ ત્યાં વોચ ગોઠવી હતી જેમાં કુખ્યાત તાજિયા ગેંગના સદસ્ય નવાગામ ઘેડવાળા શબ્બીર સલીમ આરબ ઉર્ફે વસૂલી, તારમામદ સોસાયટી નજીકની અમન ચમન સોસાયટીવાળા ઈમ્તિયાઝ સોયબ ઉર્ફે છોટુ અંસારી, ગરીબ નવાઝ પાર્કવાળા જાફર કાસમ સંધી તથા આરબ જમાત ખાના પાસે રહેતો ફૈઝલ યુનુસ પીંજારા ઉર્ફે બાબુ ચકી નામના ચાર શખ્સો મળી આવ્યા હતા.

ઉપરોક્ત આરોપીઓને એલસીબી કચેરીએ ખસેડી પૂછપરછ શરૃ કરાતા તેઓએ સંજયભાઈ ડોબરિયા પર થયેલા હુમલાની કબૂલાત આપવા ઉપરાંત ધર્મેશ મુળજીભાઈ પર હુમલો કરવામાં પોતાની સાથે અનવર ઉર્ફે અનિયો લાંબો ગઢકાઈ, એજાઝ સફિયા ઉર્ફે એજલો, શહેઝાદ તથા હસમુખ પેઢડિયા સંડોવાયેલા હોવાની કબૂલાત આપી છે. આ શખ્સોએ પાંચેક મહિના પહેલા દરેડ ગામના ખેડૂત નાથાલાલ પટેલની જમીન પચાવી પાડવા માટે પણ અનિયા લાંબા સાથે મળી ગુન્હો કર્યો હોવાની કબૂલાત મળી છે.

એલસીબીએ ચારેય શખ્સોની અટકાયત કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કાર્યવાહીમાં પીઆઈ આર.એ. ડોડિયા, પીએસઆઈ વી.વી. વાગડિયા, પીએસઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજિયા, સ્ટાફના જયુભા ઝાલા, વસરામભાઈ, બશીરભાઈ, લક્ષ્મણ ભાટિયા, હરપાલસિંહ સોઢા, ભરત પટેલ, શરદ પરમાર, નાનજી પટેલ, દિલીપ તલાવડિયા, ફિરોઝ દલ, ખીમભાઈ ભોચિયા, લાભુભાઈ ગઢવી, મિતેશ પટેલ, ભગીરથસિંહ, હરદીપ ધાધલ, સંજયસિંહ વાળા, નિર્મળસિંહ બી. જાડેજા, નિર્મળસિંહ એસ. જાડેજા, બળવંતસિંહ પરમાર, હીરેન વરણવા, પ્રતાપ ખાચર, સુરેશ માલકિયા, અજયસિંહ ઝાલા, એ.બી. જાડેજા, અરવિંદગીરી, ભારતીબેન ડાંગર સાથે રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.