પોલીસે રૂ. 10 લાખની કિંમતની કાર કબ્જે કરી ; ગત તા. 20 ના રોજ અગાઉના ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવી 11 શખ્સે છરી, ટોમી, ધોકા વડે હુમલો કરતા 6 લોકોને ઇજા પહોંચી’તી
અંજારના દેવળિયા નાકા વિસ્તારમાં અગાઉના ઝઘડાનું સમાધાન કરવા માટે બોલાવી 11 શખ્સે છરી, ટોમી, ધોકા વડે હુમલો કરતાં મારામારીના આ બનાવમાં છ લોકોને ઈજાઓ પહોંચી હતી.જેમાં હત્યા પ્રયાસનો ગુનો નોંધાયો હતો. જેમાં ફરાર થયેલા ફુલના વેપારી એવા 4 આરોપીઓને પેડક રોડ બાલક હનુમાન મન્દિર પાસેથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઈ અંજાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજવ ગત તા.20ના રોજ બનેલા બનાવ મુજબ અંજાર ખાતે આવેલી તકદીર ફ્લાવર્સ નામની દુકાન પાસે થયેલા ઝઘડાનાં સમાધાન માટે કાસમ જત અને ઓસમાણ જતે અંજારના વીડી ગામના વાડી વિસ્તારમાં રહેતા અમજદ મામદ જતને બોલાવ્યો હતો. આ યુવાન અને તેના સંબંધીઓ ત્યાં જતાં અગાઉથી છરી, ટોમી, ધોકા લઈને હાજર કુલ 11 આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં અમજદ મામદ જત સહિત 6ને ઇજા થઇ હતી ઈજાગ્રસ્તમાંથી ખાલિદ કાસમ જતને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ગાંધીધામ ખસેડાયો હતો. જીવલેણ હુમલાના આ પ્રકરણમાં અમજદ જતે 11 આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.આરોપીઓ ગુનો આચરી ફરાર થયા હતા તે દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આરોપીઓ કાળા કલરની ક્રેટા કારમાં રાજકોટ આવ્યા છે અને અહીં જુદા – જુદા વિસ્તારમાં નાસતા ફરે છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે. જાડેજાની ટીમે પેડક રોડ પરથી આરોપી ઈમ્તિયાઝ ઓસમાણ જત (ઉ.વ.31), સદામ કાસમ જત (ઉ.વ.28), જાકીર કાસમ જત (ઉ.વ.24), ફૈઝાન ઉર્ફે ફૈજુ ઉંમર જત(ઉ.વ.24) ( રહે તમામ વીડીગામ તા.અંજાર જી.ભુજ – કચ્છ) ને દબોચી લીધા હતા. અને રૂ.10 લાખની કિંમતની ક્રેટા કાર કબ્જે કરી હતી. આ આરોપીઓને અંજાર પોલીસને સોંપવા તજવીજ કરાઈ હતી