- કોર્પોરેશનના ઇતિહાસમાં 23 વર્ષે શિક્ષણ સમિતિની ચૂંટણી માટે મતદાન થશે
જીતી શકે તેટલું પર્યાપ્ત સભ્ય સંખ્યા બળ ન હોવા છતાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભરતા હવે 9મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે: ઈશ્વરભાઇ જીત્યા, હિતેશભાઇ રાવલ, મનસુખભાઇ વેકરિયા અને સંગીતાબેન છાંયાને બિનહરિફ જાહેર કરતા ચૂંટણી અધિકારી મેયર ડો.પ્રદિપ ડવ
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં વર્ષ-2000 બાદ 23 વર્ષ પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોની વરણી કરવા માટે મતદાન પ્રક્રિયા યોજવી પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે. જો કે, સંપૂર્ણ ચૂંટણી ચિત્ર આગામી 9મી જૂનના રોજ સ્પષ્ટ થશે. જીતી શકે તેટલા સભ્યો ન હોવા છતાં કોંગ્રેસે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કમલેશભાઇ કોઠીવારને સામાન્ય કેટેગરીમાંથી ફોર્મ ભરાવ્યો છે. બીજી તરફ આજે શુભ વિજય મુહુર્તે ભાજપના તમામ બાર સભ્યોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. દરમિયાન ચૂંટણી અધિકારી એવા મેયર ડો.પ્રદિપ ડવે આજે 12 બેઠકો પૈકી ચાર બેઠકોના ઉમેદવારોને બિનહરીફ જાહેર કર્યા છે. હવે આગામી 19મી જૂનના રોજ આઠ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ મુકેશભાઇ દોશી દ્વારા ગઇકાલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ભાજપના તમામ 12 ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દીધી હતી. આ ઉપરાંત તેઓએ રાજ્ય સરકાર નિયુક્ત ત્રણ સભ્યોના નામ પણ જાહેર કર્યા હતા. દરમિયાન આજે સવારે 12:39 કલાકના શુભ વિજય મુહુર્તે ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ નિમાવત, વિક્રમભાઇ પુજારા, વિક્રમસિંહ જાડેજા, વિરમભાઇ રબારી, ઇશ્ર્વરભાઇ જીત્યા, રસિકભાઇ બદ્રકીયા, હિતેશભાઇ રાવલ, અજયભાઇ પરમાર, મનસુખભાઇ વેકરિયા, સંગીતાબેન છાંયા, જાગૃત્તિબેન ભાણવડીયા અને સુરેશભાઇ રાઘવાણીએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. કોંગ્રેસ તરફથી કમલેશ કોઠીવારે શિક્ષણ સમિતિના સભ્યની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.
કોંગ્રેસ પાસે હાલ માત્ર બે કોર્પોરેટરો હોય શિક્ષણ સમિતિમાં તેઓનો એકપણ સભ્ય ચૂંટાઇ તેવી કોઇ જ શક્યતા નથી. છતાં તેને ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. સાથોસાથ એવો પણ દાવો કર્યો હતો કે તેઓની પાસે 6 કોર્પોરેટરોનું સમર્થન હોવાના કારણે એક સભ્ય કોંગ્રેસનો ચૂંટાઇ આવશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી. બપોરે 2:00 વાગ્યે શિક્ષણ સમિતિની ચુંટણી માટે ઉમેદવારી ફોર્મ સ્વિકારવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેયર ડો.પ્રદિપભાઇ ડવે એવી જાહેરાત કરી હતી કે શિક્ષણ સમિતિના 12 પૈકી આઠ સભ્યો માટે આગામી 19મી જૂનના રોજ મતદાન યોજાશે. જો 9 જૂને ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. આ સમયગાળામાં કોંગ્રેસ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેશે તો મતદાન પ્રક્રિયા કરવાની આવશ્યકતા રહેશે નહિં.
તેઓએ ઉમેર્યું હતું કે કોંગ્રેસના ઉમેદવાર કમલેશભાઇ કોઠીવારે સામાન્ય કેટેગરી માટેની બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હોવાના કારણે શિક્ષણ સમિતિમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની અનામત એક બેઠક પરથી ઉમેદવારી નોંધાવનાર ઇશ્ર્વરભાઇ જીત્યા ઉપરાંત શૈક્ષણિક લાયકાત માટેની અનામત એવી ત્રણ બેઠકો પર ઉમેદવારી નોંધાવનાર હિતેશભાઇ રાવલ, મનસુખભાઇ વેકરિયા અને સંગીતાબેન છાંયા બિનહરિફ ચૂંટાઇ આવ્યા છે. હવે આઠ બેઠકો માટે 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શિક્ષણ સમિતિની ચૂંટણીમાં કોર્પોરેટરોએ જ મતદાન કરવાનું હોય છે. એક કોર્પોરેટરે જેટલી બેઠક માટે મતદાન થતું હોય તેટલા મત આપવાના રહે છે. સભ્ય તરીકે ચૂંટાવવા માટે ઓછામાં ઓછા પાંચ મત મળવા જરૂરી છે. આવામાં ભાજપના તમામ આઠેય ઉમેદવારો ચૂંટાઇ આવે તેવી પ્રબળ સંભાવના છે.
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સમિતિમાં સરકાર નિયુક્ત સભ્ય તરીકે જયદીપભાઇ જલુ, સંજયભાઇ ભાયાણી અને જગદીશભાઇ ભોજાણીની નિમણૂંક કરવામાં આવી છે. આગામી 9મી જૂનના રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે અનામત એવી એક બેઠક અને શૈક્ષણિક લાયકાતની અનામત ચાર બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે એકપણ વ્યક્તિએ ફોર્મ ભર્યું ન હોય આ તમામ બેઠકો બિનહરિફ થશે. જો કે, તેની સત્તાવાર જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે તારીખનું એલાન કરાશે.
અમારી પાસે 6 સભ્યોનું સમર્થન, કોંગ્રેસનો સભ્ય ચૂંટાશે જ: સંજય અજુડીયા
શિક્ષણ સમિતિના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા 6 મત મળવા જરૂરી છે. સભ્ય ચૂંટવા માટે કોર્પોરેટરો જ મતદાન કરી શકે છે. ભાજપ પાસે 68 કોર્પોરેટરોનું સભ્ય સંખ્યા બળ છે. સામા પક્ષે કોંગ્રેસ પાસે માત્ર બે કોર્પોરેટરો હોય કમલેશ કોઠીવારની હાર લગભગ નિશ્ર્ચિત માનવામાં આવી રહી છે. છતાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ સંજયભાઇ અજુડીયાએ એવો દાવો કર્યો છે કે ભાજપના ચાર કોર્પોરેટરો અમારા સમર્થનમાં મતદાન કરવા માટે તૈયાર છે. શિક્ષણ સમિતિના સભ્ય તરીકે કમલેશ કોઠીવાર જીતી જશે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. સાથોસાથ તેઓએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિના સભ્ય માટે કોંગ્રેસમાંથી ત્રણ કાર્યકરોના નામની ચર્ચા થતી હતી. પરંતુ હાઇકમાન્ડે કમલેશભાઇને ફોર્મ ભરવાની સૂચના આપતા વિજયસિંહ જાડેજા અને રણજીત મુંધવાએ કોઇપણ વિરોધ કર્યા વિના સહમતી દર્શાવી હતી. જે કોંગ્રેસ પક્ષની એકતા દર્શાવે છે.