પાલીના સુમેરપુર પાસે ત્રણ વૃઘ્ધા સહિત ચાર શ્રઘ્ધાળુના મોતથી કુતિયાણામાં શોક: ગંભીર રીતે બે ઘવાયા

પોરબંદરથી હરિદ્વાર સુધીની પદયાત્રાએ નીકળેલા પોરબંદર જીલ્લાના વયોવૃઘ્ધ નાગરીકોના એક સંઘને હોળીદર્શન પહેલા જ ધળુટીની પૂર્વ સંઘ્યાએ રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડી ગયો હતો. જેમાં કુતિયાણા પંકથના ત્રણ સહીત ચાર બૂઝૂર્ગોએ જીવ ગુમાવતાં મેર પરિવાર  સહીત સમગ્ર જીલ્લામાં શોક વ્યાપી ગયો છે. એક સાથે ચાર શ્રઘ્ધાળુ વૃઘ્ધાના મોતથી પોરબંદર પંથકમાં શોક સાથે અરેરાટી મચી ગઇ છે.

દર વર્ષે પોરબંદરના સીનીયર સીટીઝન ગ્રુપ દ્વારા દેશમાં અમન અને શાંતિ સ્થાપવાનો સંદેશો ફેલાવવા કોઇ ને કોઇ સ્થળ સુધી ૧૦૦૦ કી.મી. ની પદયાત્રા રાખવામાં આવે છે જે પરપંરામાં આ વખતે હરીદ્વાર સુધીની પદયાત્રા યોજવામાં આવી હતી. ૬ માર્ચે આ સંઘમાં જીલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ૧પ વડીલોએ પોરબંદરના સુદામા ચોકથી દર્શન કરીને હરિદ્વાર તરફ પગપાળા પ્રયાણ કર્યુ હતુ. આ સંઘની ખાસિયત એ છે કે કોઇ હોટેલ કે ધર્મશાળામાં રાતવાસો કરવાને બદલે સાંજે પડયે અનુકુળ ખુલી જગ્યામાં જ ડેરા તાણીને રસોઇ બનાવી ત્યાં જ  જાતે રાંધેલું ભોજન લઇને સહૂ આરામ કરે છે અને એ રીતે યાત્રા આગળ ધપાવે છે.

૧૫ વડીલોએ ૧૭૦૦ કી.મી. પૈકી ૮૦૦ કી.મી. ની યાત્રા પૂર્ણ કરી ચૂકયા હતા. ર૦ માર્ચની મોડી સાંજે રાજયસ્થાનના પાલી જીલ્લામાં સુમેરપૂર તાલુકાના નેતરા ગામ નજીક તેમને ગમખ્વાર અકસ્માત નડયો હતો. આ સંઘને પાછળથી આવી રહેલા એક બેકાબુ ટ્રેલરે હડફેટમાં લઇ લેતા ૬ પદાયાત્રીઓ ઇજા થઇ હતી. જેમાના ચાર વ્યકિતના મૃત્યુ નિપજયા હતા અને ઘડીભરમાં જ પ્રભુ ભકિતના ભજનોને બદલે ઘાયલોની કીકીયારીઓથી નેકનલ હાઇ-વે ગાજી ઉઠયો હતો ! વડીલ પદયાત્રીકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. જયાઁ કુતીયાણા અમર ગામના ધાનીબેન ચનાભાઇ ભૂતિયા (ઉ.વ.૮૦) અને જાહીબેન રાજશીભાઇ મોઢવાડીયા (ઉ.વ.૬૫) તેમ જ કુતિયાણાના જ કિંદરખેડા ગામના લીરીબેન લખમણભાઇ મોઢવાડીયા (ઉ.વ.૬૧) અને રાજાભાઇ નાથાભાઇ મોઢવાડીયા (ઉ.વ.૬૦) ને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અન્ય બે પદયાત્રીને સારવાર માટે બાદમાં અમદાવાદ ખસેડાયા છે. આ બનાવની જાણ થતાં પોરબંદર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી અને ધુળેટીનો ઉમંગ શોકમાં તબદીલ થઇ ગયો હતો.

અકસ્માત સર્જી ટેલર ચાલક નાસી ગયો હતો જે કે રાજસ્થાન પોલીસે ગણતરીની કલાકોમાં જ તેને ટોલનાકા પરથી પકડી પાડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.