બંગાળની ખાડીમાં લો-પ્રેશર, દક્ષિણ-પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા કચ્છ પર ૧.૫ થી લઈ ૨.૧ કિલોમીટરની ઉંચાઈ પર સાયકલોનીક સરકયુલેશન: મોનસુન ટ્રફ પણ નોર્મલ પોઝિશનમાં: સવારથી રાજકોટ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા સહિતનાં જિલ્લામાં મેઘાવી માહોલ
એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમો સક્રિય થવા પામી છે. સાથો સાથ મોનસુન ટ્રફ પણ નોર્મલ પોઝીશનમાં હોવાનાં કારણે આજથી ચાર દિવસ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી રાજકોટ, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ સહિતનાં જિલ્લાઓમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદનાં કારણે જળાશયોમાં પણ પાણીની આવક સતત ચાલુ છે.
હવામાન વિભાગનાં સુત્રોના જણાવ્યા અનુસાર હાલ દક્ષિણ પાકિસ્તાન અને તેની સાથે જોડાયેલા કચ્છ વિસ્તારમાં ૧.૫ અને ૨.૧ કિલોમીટરની ઉંચાઈ પર સાયકલોનીક સરકયુલેશન સર્જાયું છે જયારે પૂર્વ-પશ્ર્ચિમ વિસ્તારમાં સેયર ઝોન રચાયો છે. બંગાળની ખાડીમાં લો-પ્રેશર પણ સક્રિય બન્યું છે અને રાજસ્થાન નજીક એક અપરએર સાયકલોનીક સરકયુલેશન પણ આકાર લઈ રહ્યું છે. મોનસુન ટ્રફ પણ નોર્મલ પોઝીટીશન હોય. આજથી ૧૪ ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના રહેલી છે. અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે. આજે બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદયપુર અને ભચ, આવતીકાલે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુરુવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, ભચ, સુરત, તાપી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં જયારે શુક્રવારના રોજ વલસાડનાં પોરબંદર, જુનાગઢ, દેવભૂમિ દ્વારકા ઉપરાંત કચ્છમાં પણ અતિભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદનાં કારણે જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ છે. આજી-૧, આજી-૩, ન્યારી-૧, લાલપરી, છાપરવાડી-૧, છાપરવાડી-૨, ભાદર-૨, મચ્છુ-૧, મચ્છુ-૨, ડેમી-૧, ડેમી-૨, વર્તુ-૨, વઢવાણ, ભોગાવો, નિંભણી સહિતનાં જળાશયોમાં પાણીની આવક થવા પામી છે.
આજે સવારથી રાજકોટમાં જોરદાર મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. આજે સવારે ઝાપટુ પડી ગયું હતું. જુનાગઢનાં માણાવદર અને વંથલીમાં દોઢ ઈંચ, જુનાગઢમાં ૧ ઈંચ, મેંદરડામાં ૧ ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ, રાજકોટ જિલ્લાનાં ધોરાજી, ગીર સોમનાથ જિલ્લાનાં તળાજા સહિતનાં વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.