રાજકોટ પૂર્વ, પશ્ર્ચિમ, દક્ષિણ અને ગ્રામ્ય ઉપરાંત જસદણ: વિછીંયા બેઠકની ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી સોંપતા કાર્યકરોમાં આશ્ર્ચર્ય
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ત્રણ દિવસનો સમય જ બાકી રહ્યો છે ત્યારે મતદાનના 96 કલાક અગાઉ ભાજપ દ્વારા રવિવારે બપોરે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાને રાજકોટ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના ચૂંટણી વ્યવસ્થાના ઇન્ચાર્જ બનાવવામાં આવતા કાર્યકરોમાં પણ ભારે આશ્ર્ચર્ય વ્યાપી જવા પામ્યું છે. મતદાનના ચાર દિવસ પૂર્વ ભાજપને એવી શું જરૂરિયાત પડી કે રાજકોટ શહેરની ચાર ઉપરાંત જસદણ-વિછીંયા બેઠક માટે ઇન્ચાર્જની રાતોરાત વરણી કરવામાં આવતા થોડી અચરજ ફેલાઇ જવા પામી છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ગઇકાલે બપોરે 68-રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક, 69-રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક, 70-રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક અને 71-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા બેઠક ઉપરાંત 72-જસદણ-વિંછીયા વિધાનસભા બેઠકના ચૂંટણી વ્યવસ્થાના ઇન્ચાર્જ તરીકે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની વરણી કરવામાં આવી છે. સામાન્ય રિતે ચૂંટણી જાહેર થયા બાદ તુરંત જ પક્ષ દ્વારા ઇન્ચાર્જની વરણી કરી દેવામાં આવતી હોય છે. દરમિયાન ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા રાજકોટ શહેરની ચારેય બેઠકો માટે ચૂંટણી ઇન્ચાર્જની નિમણૂંક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા દ્વારા રાજકોટ જિલ્લાની ચાર બેઠકો માટે ચૂંટણી ઇન્ચાર્જ નિમી દેવામાં આવ્યા છે.
હવે મતદાનના આડે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાજકોટ શહેરની ચાર બેઠકો ઉપરાંત જસદણ-વિંછીયા બેઠક માટે તાત્કાલિક અસરથી શા માટે ચૂંટણી વ્યવસ્થા ઇન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી તે વાત ખૂદ કાર્યકરો પણ સમજી શકતા નથી. કારણ કે આવતીકાલ સાંજથી પ્રચારના ભુંગળા શાંત થઇ રહ્યા છે ત્યારે હવે મોટાભાગની ચૂંટણી વ્યવસ્થાની કામગીરી પૂર્ણ થઇ જવા પામી છે. લોક સંપર્ક, સમાજ સાથે મીટીંગ, રેલી, ઉમેદવારોની પદયાત્રા સહિત પ્રચારની કામગીરી અંતિમ તબક્કામાં છે. આવતીકાલ સાંજથી ડોર ટુ ડોર જનસંપર્ક હાથ ધરવામાં આવશે ત્યારે હવે ચૂંટણી વ્યવસ્થા માટે ઇન્ચાર્જની વરણી કરવાની કોઇ ખાસ જરૂરિયાત ન હોવા છતા સૌરાષ્ટ્રમાં માત્ર રાજકોટ-શહેરની ચાર અને જિલ્લાની એક બેઠક માટે શા માટે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની ઇન્ચાર્જ તરીકે વરણી કરાય તે સમજી શકાતું નથી.