વિદેશ જઇ નોકરી કરવા ઇચ્છુંકો માટે ચેતવણીરૂપ કિસ્સો
ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ચીની મહિલા તરીકે રજુ કરી અમેરિકા-યુરોપના ધનિકો સાથે છેતરપિંડી કરવાનું કૌભાંડ
વિદેશ જઈને નોકરી કરવા ઇચ્છુંકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. આઈટી ક્ષેત્રના ઓછામાં ઓછા 500 ભારતીયોને ઊંચા પગાર ધોરણની લાલચ આપી મ્યાનમાર લઈ જઈ ’બંદી’ બનાવી લીધાનો બનાવ સામે આવતા ચકચાર મચ્યો છે. એક ભારતીય નાગરિકે એસઓએસ વિડીયો મેસેજ છોડી આ મેસેજ ભારત સુધી પહોંચાડ્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ તાત્કાલિક વિદેશ મંત્રાલય હરકતમાં આવી ગઈ હતી. હાલ આ સ્કેન્ડલ પાછળ રહેલી ચાર કંપનીઓની વિદેશ મંત્રાલયે ઓળખ કરી છે અને સામે આશરે 32 જેટલા ભારતીયોને મુક્ત પણ કરાવવામાં આવ્યા છે.
એવું માનવામાં આવે છે કે મ્યાનમારમાં ઓછામાં ઓછા 500 ભારતીયો ફસાયેલા છે. દરરોજ ઓછામાં ઓછા 10-20 ભારતીયોને ત્યાં લાવવામાં આવે છે. અહીં ફસાયેલા ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ઓનલાઈન ચીની મહિલાઓ તરીકે રજૂ કરવામાં છે અને અમેરિકા-યુરોપના ધનિક લોકોને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરવામાં આવે છે.
વિદેશ મંત્રાલયે મ્યાનમારમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને ફસાવવાના રેકેટમાં સામેલ 4 કંપનીઓની ઓળખ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 100 થી 150 ભારતીયો હજુ પણ ત્યાં ફસાયેલા છે. વિદેશ મંત્રાલય ભારતીયોને બચાવવા માટે કામ કરી રહ્યું છે અને અત્યાર સુધીમાં અધિકારીઓ 32 લોકોને બચાવવામાં સફળ થયા છે. જો કે, હૈદરાબાદ અને દિલ્હીના લોકો જેઓ પાછા ફરવામાં સફળ થયા છે તેમણે કહ્યું કે એવું માનવામાં આવે છે કે ઓછામાં ઓછા 500 ભારતીયો ત્યાં ફસાયેલા છે. દરરોજ ઓછામાં ઓછા 10-20 ભારતીયોને મ્યાનમારના માયાવાડી અને માઇ સોટમાં લાવવામાં આવે છે.
ઑફિસ ઑફ પ્રોટેક્ટર ઑફ ઈમિગ્રન્ટ્સ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી ઓકેએક્સ પલ્સ(દુબઇ), લઝાડા, સુપર એનર્જી ગ્રૂપ અને જેન્ટીયન ગ્રૂપ આ નોકરીઓ ઑફર કરીને ભારતીયોને ફસાવી રહી હોય તેવા અહેવાલો છે.
કહેવાય છે કે થાઈલેન્ડ-મ્યાનમાર બોર્ડર પર સ્થિત મ્યાવાડીમાં ચીની નાગરિકો મોટા પાયે આવું કૃત્ય આચરે છે. ત્યાં ફસાયેલા મુંબઈના એક આઈટી પ્રોફેશનલે કહ્યું કે ’જો અમને જીવતા બહાર કાઢવા હોય તો ભારત સરકારે તરત જ કાર્યવાહી કરવી પડશે’. પીઓઇ ઓફિસે જણાવ્યું હતું કે જોબ સીકર્સ વિઝા-ઓન-અરાઈવલ સુવિધાનો ઉપયોગ કરીને બેંગકોક પહોંચે છે અને ઝડપથી મ્યાનમાર મોકલવામાં આવે છે. તેથી, જ્યાં સુધી પીડિતો અથવા તેમના સંબંધીઓ મિશનનો સંપર્ક ન કરે ત્યાં સુધી તેમના આગમન અને આગળની હિલચાલને ટ્રેક કરવી શક્ય નથી.