દિવાલ નીચે રહેલી ઇકો કાર અને રીક્ષા પડિકુ વળી ગઈ
રામનાથપરામાં 135 વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થતાં વૃદ્ધ ઇજાગ્રસ્ત
શહેર ગતરાત્રિથી પડેલા ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સર્જાયા છે સવારથી વરસી રહેલા અનાધાર વરસાદના પગલે શહેરમાં ઘણી જગ્યાએ નુકસાન થયાનું જાણવા મળ્યું છે જેમાં ઘાંચીવાડ વિસ્તારમાં શેરી નંબર આઠમાં એક મકાનની દીવાલ પડતાં ચાર બાળકો ગવાયા હતા જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે જ્યારે દીવાલ નીચે રહેલા વાહનોમાં પણ ભારે નુકસાન થયું છે.
અંગેની પ્રાપ્ત વિગત મુજબ ભારે વરસાદના કારણે ઘાંચીવાડ વિસ્તારના એક જર્જરીત મકાનની દીવાલ તૂટી પડી હતી દિવાલ તૂટી પડતા જ તેની પાસે રહેલા ચાર બાળકો ગંભીર રીતે ગવાયા હતા દિવાલની નજીક રહેલા દેવ પપ્પુ ચૌહાણ(ઉ. વ.12)પ્રશાંત હરેશ સોંદરવા (ઉ. વ.15), સમ્રાટ રાજેન (ઉ. વ.10) અને ચંગો , નામના ચાર બાળકો દિવાલ નજીક હતા. ત્યારે તેના ઉપર દિવાલ પડતા તેઓને ગંભીર ઇજા પહોંચતા તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી એક બાળકની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે. બનાવની જાણ ફાયર બ્રિગેડને થતા તુરંત જ ઘટના સ્થળે દોડી જઇ રેસ્ક્યુની કામગીરી હાથધરી છે.
જ્યારે બીજા બનાવમાં રામનાથપરા વિસ્તારમાં 135 વર્ષ જૂના મકાનની છત ધરાશાયી થઈ હતી. આ અંગે ઈજા પામનાર પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે આજે સવારે ધોધમાર વરસાદ ચાલતો હતો ત્યારે મારા ઘરની બહાર એક જોરદાર અવાજ આવ્યો, એટલે હું દરવાજો ખોલીને જોવા ગયો એ સાથે જ ઉપરથી આખો કાટમાળ મારી ઉપર પડ્યો હતો અને મને ખભા તથા મોઢા પાસે ઈજા થઈ છે.
આજે સવારે 6 વાગ્યાની આસપાસ જયારે ધોધમાર વરસાદ ચાલુ હતો એ સમયે અચાનક જોરદાર અવાજ આવ્યો એટલે પ્રવીણભાઈ દરવાજો ખોલવા ગયા અને તેમના પર મકાનની છત પડી ગઈ હતી. તેમણે ઈજા પોહચતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ રાજકોટ મનપાની ફાયર શાખા દ્વારા બચાવની કામગીરી હાથ ધરાઈ છે.
હડાળામાં મકાનમાંથી પોપડા પડતા બે વૃધ્ધા ઘવાયા
રાજકોટના છેવાડે આવેલા હડાળા ગામમાં એક મકાનમાંથી પોપડા પડતા બે વૃદ્ધા ઘવાતાં તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભાગોળે આવેલા હડાળા ગામમાં જીવનધારા સોસાયટીમાં આવેલા એક મકાનની છતમાંથી પોપડા ખરતા ઘરમાં રહેલા કિરણબેન પ્રવીણભાઈ વાઢેર (ઉ.વ.70) અને નિર્મલાબેન ગંભીરભાઈ બારોટ (ઉ.વ.75) ઘાયલ થયા હતા. ગઇ કાલથી પડી રહેલા અતિરેક વરસાદના કારણે અનેક સ્થળોએ વૃક્ષ સહિતની વસ્તુઓ ધરાશાઈ થઈ છે. ત્યારે હડાળા ગામમાં મકાન પણ વરસાદના પગલે ધરાશાઈ થતા બંને વૃદ્ધાને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.