પાંચ શખસોએ ટ્રાફિક સિગ્નલ તોડતા પોલીસે કાગળો માગતા મારામારી કરી હતી
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ખૂન અને મારામારીની ઘટના અનેક બની રહી છે ત્યારે વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં ગઈકાલે રૈયા ચોકડી પાસે જમાદાર અને ટ્રાફિક વોર્ડનને પાંચ શખ્સોને ટ્રાફિક સિગ્નલ તોડતા રોક્યા હતા જેમાં તેઓએ ઉશ્કેરાઈ તેની સાથે મારામારી કરી તેમના ફરજમાં રૃકાવટ કરતા પોલીસે તેમના વિરૂદ્ધ ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી.જ્યારે એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વિગતો અનુસાર ટ્રાફિક બ્રાંચના સેક્ટર-4માં જમાદાર તરીકે ફરજ બજાવતા મહમદતાલીબ દાઉદભાઈ ચાનીયા (ઉ.વ.37)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે બપોરે રૈયા ચોકડી પાસે ફરજ પર હતો ત્યારે ડબલ સવારી એક્સેસ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરી પસાર થતા ટીઆરબી જવાન ગણેશે અટકાવવાનો પ્રયાસ કરતા એક્સેસના ચાલકે કાબૂ ગુમાવતા રસ્તા પર પડી ગયા હતા.જેથી તેની પાસે જઇ ડ્રાઇવીંગ લાયસન્સ અને કાગળો માગી ટ્રાફિક સિગ્નલ તોડવા અંગેનું કારણ પુછતા બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું.
એટલું જ નહીં પોલીસને તારાથી કાંઇ નહીં થાય તેવું કહી દીધું હતું. સાથોસાથ કોલ કરતા બીજા ત્રણેક શખ્સો ધસી આવ્યા હતા. બધા આરોપીઓએ ઝગડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પરિણામે તત્કાળ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી લીધી હતી. બાદમાં 108માં ટીઆરબી જવાન ગણેશને સિવિલમાં ખસેડ્યો હતો.જ્યારે પીસીઆર વાને ત્યાં ઉપસ્થિત ટોળાને વિખેરી નાખી એકસેસ કબ્જે કર્યું હતું. તપાસ કરતાં તમામ શખ્સોના નામ મળી જતા ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
જેના આધારે પીઆઈ જે.જી. જાડેજાએ આરોપી જીવણ ભગવાનજી સભાડ તેના ભાઈ હિતેશ (રહે. બંને એકલવ્ય નગર, શેરી નં. 1, સાધુ વાસવાણી રોડ), ભાવેશ નાનુભાઈ કીહલા અને તેના ભાઈ ગોપાલ (રહે. બંને ધરમનગર આવાસ યોજના પાછળ, ઇન્દીરા નગર શેરી નં.1)ની ધરપકડ કરી હતી જ્યારે પાંચમો આરોપી રાહુલ હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.w