- નાગરિક સુરક્ષા સંહિતા-2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારે સજા માફી ફરમાવી
રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજા કાપતા એક મહિલા સહીત ચાર બંદીવાનોને જેલ મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આજીવન કેદના પાકાં કામના કેદીઓને તેમની સારી ચાલચલગત સહીતની બાબતોને ધ્યાને રાખી વહેલી જેલ મુક્તિ આપવામાં આવી છે.
ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ-475ની જોગવાઈઓને આધિન નાગરીક સુરક્ષા સંહિતા-2023ની કલમ 473 હેઠળ રાજ્ય સરકારને મળેલ સત્તાની રૂએ રાજકોટ મધ્યસ્થ જેલના આજીવન કેદના પાકા કામના કેદી નરેંન્દ્રસિંહ ઉર્ફે બાપુ મોહનસિંહ સોલંકી, આણંદભાઈ કાબાભાઈ બારૈયા, વિજયાબેન ઉર્ફે વીજુ ભાવેશભાઈ લાધાભાઈ ઢોલરીયા, મુકેશ ઉર્ફે કૈલી દલપતભાઈ રાઠોડને થયેલ સજાનો બાકીનો ભાગ શરતોને આધિન માફ કરીને તાત્કાલીક અસરથી જેલ મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હુકમ કરવામાં આવેલ છે. જે અન્વયે ચારેય કેદીઓને તા.24/02/2025ના રોજ સરકારના હુકમ મુજબ નક્કી કરવામા આવેલ શરતોને આધિન જેલ મુક્ત કરવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા ચારેય કેદીઓની સજાનો બાકીનો ભાગ માફ કરી સમાજમાં પુન: સ્થાપિત થાય તેવા શુભ આશયથી જેલ મુક્ત કરવા હુકમ કરવામા આવતા ઇન્ચાર્જ જેલ અધિક્ષક બી.બી. પરમારના દ્વારા આ તમામ બંદીવાનોને શ્રીમદ ભાગવત ગીતા ભેટમાં આપવામાં આવેલ હતી. તેમજ બંદીવાનોને તેઓ જેલ મુક્ત થયા બાદ પોતાના પરિવાર સાથે સમાજમાં પુન:સ્થાપિત થઈ સારા નાગરીક તરીકે જીવન વિતાવે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.
આ તકે ઇન્ચાર્જ જેલ અધિક્ષક બી.બી.પરમાર, સિનિયર જેલર એમ.આર.ઝાલા દ્વારા પણ બંદીવાનોને જેલ મુક્ત થવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી.