પોતાની કોઠાસૂઝથી લાકડામાંથી રામદેવપીરના ઘોડા, પક્ષીઓ સહિતની ૫૦ થી વધુ કલાકૃતિઓ નું નિર્માણ કર્યું
ડિજિટલ યુગમાં મોટા ભાગની હસ્તકલા લુપ્ત થવા પર પહોંચી ગઈ છે. જો વ્યક્તિની અંદર ભરપૂર ઊર્જા અને કોઠાસૂઝ હોય તો હસ્તકલા થી અલભ્ય વસ્તુઓનું સર્જન થઇ શકે છે. આ વાતને મોરબીના વાકડા ગામે રહેતા અને માત્ર ૪ ચોપડી ભણેલા વૃધ્ધે પુરવાર કરી છે. આ વૃધ્ધે પોતાનામાં રહેલી આત્મસુજને સહારે લાકડામાં થી રામદેવપીર નો ઘોડો, જુદા જુદા પક્ષીઓ સહિત ૫૦ અલભ્ય વસ્તુઓનું સર્જન કર્યું છે. તેઓ પોતાના શોખ ખાતર આ વસ્તુઓ બનાવીને મંદિરને દાનમા આપી દે છે.
મોરબીના વાંકડા ગામે રહેતા ૭૫ વર્ષની વયના ધરમશિભાઈ અરજણભાઇ મિસ્ત્રી ધો.૪ સુધી ભણેલા છે.આ વૃદ્ધ ઓછું ભણ્યા છે પરંતુ તેમને કુદરત તરફથી કોઠાસૂઝ અને અદભૂત સર્જનશક્તિ ની દેન મળી છે. મિસ્ત્રી હોવાના નાતે તેઓ જાતજાતની વસ્તુઓનું નિર્માણ કરી શકે છે. જોકે અગાઉ લાકડામાંથી વસ્તુઓનું નિર્માણ કરવું તે તેમના માટે આજીવિકાનું સાધન હતું. તેઓ શરૂઆતમાં ખેત ઓજારો બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતાં. ખેતી ના આધુનિક ઓજારો નો યુગ આવતા તેમની આજીવિકાની કારમી થપાટ લાગી હતી. બાદમાં તેઓ સાવ નવરાધુપ થ્ઈ ગયા હતા. પરંતુ તેમનામાં અખૂટ સર્જન શક્તિ હોવાથી કોઈને કોઈ નવી વસ્તુ બનાવવાની જિજ્ઞાસા હંમેશા રહેતી હતી. તેઓ આ દીશામાં કામ કરવા લાગ્યા અને અંતે તેમની મહેનત રંગ લાવી. તેમને લાકડા માંથી તેમના મિસ્ત્રી કામના અનુભવથી રામદેવપીર ના ઘોડા, જાતજાતના રમકડાં, ચબૂતરા માંથેના મોર સહિતના પક્ષીઓ બનાવ્યા હતા.તેમજ ઘર આંગણે લુપ્ત થતી પક્ષીઓની પ્રજાતિ જેવી કે ચકલી, પોપટ, મેના , ગીધ, સમડી વગેરેનું લાકડામાંથી સર્જન કર્યું છે. આ રીતે તેમણે અલગ અલગ ૫૦ જાતની વસ્તુઓ બનાવી છે.
તેઓએ કહ્યું કે પ્રથમ તેઓ કોઈ પણ વસ્તુનું ચિત્ર નિહાળે. બાદમાં તે વસ્તુ નું ચિત્ર ચિત્ર બનાવીને પછી સર્જન શરૂ કરે.વધુમાં તેઓએ ઉમેર્યું કે, તેઓ આ કાર્ય શોખ ખાતર કરે છે.આ કાર્યને આજીવિકા નું સાધન બનાવ્યું નથી. ઘણી કલાકૃતિઓ મંદિરને દાનમાં આપી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,