કમ્પ્યુટર અને ડિઝીટલ યુગમાં 18મી સદીની પ્રતિતિ થાય તેવી અંધશ્રધ્ધાની શરમજનક ઘટના પડધરીના ગીતાનગર વિસ્તારમાં બની છે. પુત્ર પ્રાપ્તી અને રોગ મટાડવાની માનતા કરતા પરિવારને અંધશ્રધ્ધામાં ભ્રમિત કરી ઘેટા અને બકરાની બલી ચડાવતા લાખા બાપા અને મહાકાળી માતાજીના ભુવા સહિત ચારે ગતરાતે બે બકરાની બલી ચલાવતા વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસને સાથે રાખી ઝડપી લીધા છે.

30 વર્ષમાં 700થી વધુ ઘેટા-બકરાનો વધ કરી બલી ચડાવ્યાની કબુલાત: સંતાન પ્રાપ્તી અને રોગ મટાડવાની માનતા કરતા પરિવારને અંધશ્રધ્ધાની વાત કરી ભ્રમિત કરી ધરાર પશુની બલી ચડાવવાની ફરજ પડાતી

વિજ્ઞાન જાથાની ટીમે પડધરી પોલીસને સાથે રાખી દરોડો પાડતા નાસભાગ મચી ગઇ: બે બકરાની કતલ કરી નાખી: ત્રણ પશુનો જીવ બચાવાયો

દરોડા દરમિયાન નાસભાગ મચી ગઇ હતી અને મોડીરાત સુધી પડધરી પોલીસ મથકે ટોળે ટોળા ઘસી આવ્યા હતા. પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમે ત્રણ પશુનો જીવ બચાવી ચારેય ભુવા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

પડધરીના ગીતાનગરમાં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા 62 વર્ષના ભયલાલભાઇ ભીખુભાઇ સોલંકી, તેના પુત્ર રમેશ ભયલાલ સોલંકી, બચુ હનુ સોલંકી અને હાજાપરના વિપુલ દેવરાજ સોલંકી નામના ભુવાને બે પશુની કતલ કરી બલી ચડાવવાની માનતા પુરી કર્યાની અને માસનું પ્રસાદ તરીકે વિતરણ કરતા ઝડપી લેવામાં આવ્યા છે.

કચ્છના પરિવારને પગમાં દુ:ખાની બીમારી હોવાથી દવા કરવા છતાં દુ:ખાવો રહેતો હોવાથી પડધરી લાખા બાપાના મઢે મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા ગયા ત્યારે તેમને ભૂવા ભયલાલભાઇ સોલંકીએ બકરાની બલી ચડાવવાની માનતા કરવા સમજાવ્યા હતા. આથી કચ્છના પરિવારે રાજકોટના જીવનનગર ખાતે બારત જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કરી પશુ બલીની અંધ શ્રધ્ધા અંગેની વાત કરી હતી. આથી વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડયા, દિનેશભાઇ હુંબલ, નિર્મળભાઇ મિયાત્રા, અલ્કેશભાઇ ગોહિલ બાનુબેન મનસુખભાઇ ગોહિલ અને રિમિત રાજદેવ સહિતના કાર્યકરોએ રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી જયપાલસિંહ રાઠોડનો સંપર્ક કરી પોલીસની મદદ લઇ ગઇકાલે સાંજે પડધરીના ગીતાનગર ખાતે દરોડો પાડયો હતો.

પડધરી પોલીસ મથકના પી.એસ.આઇ. જી.જે.ઝાલા, વિરેન્દ્રસિંહ ઝાલા, પુષ્પરાજસિંહ પરમાર, કિશોરભાઇ પારઘી અને વિજયભાઇ દાફડા સહિતના સ્ટાફે દરોડો પાડયો તે દરમિયાન ચારેય ભુવાએ બે ઘેટાની કતલ કરી બલી ચલાવી દીધી હતી.

પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમને જોઇ પશુ બલીનો પ્રસાદ લેવા આવલા મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન ત્રણ પશુનો જીવ બચાવવામાં આવ્યો હતો. પોલીસે સામાજીક કાર્યકર ભાનુબેન મનસુખભાઇ ગોહિલની ફરિયાદ પરથી ચારેય ભૂવા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.