અમદાવાદની પેઢીનું જામજોધપુરના બે વેપારીને ૧૧.૭૦૦ કિલો સોનું આપવા જતા હોવાની કબૂલાત: ઇન્કમટેકસ વિભાગે તપાસમાં ઝંપલાવ્યું
વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ચૂંટણી પંચના આદેશ અનુસાર ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા શરૂ કરાયેલા ચેકીંગ દરમિયાન લાલપુર નજીક ગોવાણા ચોકડી પાસેથી રૂ.૩.૫૦ કરોડની કિંમતના ૧૧.૭૦૦ કિલો સોના સાથે ચાર સેલ્સમેનને ઝડપી લીધા છે. ચારેય સેલ્સમેન પાસે સોના અંગે આધાર પુરાવા ન હોવાથી ઇન્કમટેકસ વિભાગે તપાસમાં ઝંપલાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લાલપુર પી.એસ.આઇ. પી.વી.રાણા સહિતનો સ્ટાફ ગોવાણા ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા ત્યારે જી.જે.૧કેઆર. ૫૨૨૯ નંબરની ટાટાસુમો અટકાવી તેમાં બેઠેલા ચાર શખ્સોની અટકાયત કરી કારની તલાસી લેતા તેમાંથી રૂ.૩.૫૦ કરોડની કિંમતનું ૧૧.૭૦૦ કિલો સોનું મળી આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો હતો.
પોલીસે સોનાનું કબ્જે કરી મામલતદાર સહિતના અધિકારીઓને જાણ કરી હતી અને ચારેય શખ્સોની પૂછપરછ કરતા તે અમદાવાદના શ્રીજી રોડટ પર આવેલા સુર્વણકલા પ્રાઇવેટ લીમીટેડ નામની પેઢીમાંથી સોનુ લઇ જામજોધપુરના બે સોની વેપારીઓને આપવા જતા હોવાની કબૂલાત આપી છે.
સોના અંગે ચારેય સેલ્સમેન પાસે આધાર પુરાવા ન હોવાથી ઇન્કમટેકસ વિભાગને જાણ કરવામાં આવી છે. ઇન્કમટેકસ વિભાગ દ્વારા સોના અંગે પૂછપરછ હાથધરવામાં આવી છે.