ગત બુધવારના રોજ ૫૬ વર્ષીય પાટીદાર સમાજના કચ્છી બિલ્ડર સવજીભાઈ મંજેરી (પટેલ)ને નવી મુંબઈના નેરુલ ખાતે બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ગોળી ધરબીને હત્યા કરતા ચકચાર મચ જવા પામી હતી. ૧૯૯૮માં ગ્રામ પંચાયતની ચૂંટણી પરથી સાંય ગામના બચુભાઈ ધના પટણીની હત્યા બાદ માથાકૂટમાં બદલો લેવા રૂ.૨૫ લાખની સોપારી લઈ બિહારથી શૂટર બોલાવી ઢીમ ઢાળી દીધું હતું ત્યારે આ મામલે પોલીસે  રાજકોટથી રેકી કરનાર અને પ્લાનર મહેક જયરામભાઈ નારીયાની રાજકોટથી ધરપકડ કરી છે.

આ કેસમાં સાંય ગામના જ કેટલાક આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.નવી મુંબઈમાં સીબીડી બેલાપુર સેક્ટર ૧૧ પ્લોટ ૨૭ ખાતે એ-૫૦૧ એલોરામાં રહેતા અને ઈમ્પેરિયા ડેવલપર્સના ડાયરેક્ટર સવજીભાઈ મંજેરી મૂળ કચ્છના રાપર તાલુકાના સાંય ગામના હતા.

પટણીની હત્યા બાદ માથાકૂટમાં બદલો લેવા રૂ.૨૫ લાખની સોપારી લઈ

બિહારથી શૂટર બોલાવી ઢીમ ઢાળી દીધું

૧૯૯૮માં ગ્રામ પંચાયતની ચૂંટણી પરથી સાંય ગામના બચુભાઈ ધના પટણીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા મંજેરીએ કરાવી હોવાનો આરોપ હતો. ઉપરાંત ઓક્ટોબર- નવેમ્બર ૨૦૨૨માં મૃતકના સંબંધીઓને ભરચોકમાં હત્યા કરાવી હતી. આનું વેર વાળવા માટે પટણીના સંબંધીઓ દ્વારા મંજેરીની હત્યા કરાવવામાં આવી હતી. જેઓ હાલમાં ફરાર છે. મંજેરીની હત્યા કરાવવા માટે મૂળ રાજકોટના રૂમ-૩, બિલ્ડિંગ સી-૧૭, ત્રિલોક એપાર્ટમેન્ટ, ૧૫૦ ફીટ રિંગ રોડ, રાજકોટ ખાતે રહેતા અને અહીં નવી મુંબઈમાં રહેતા મહેક જયરામ નારીયાને રૂ.૨૫ લાખની સોપારી આપી હતી.

 

નારીયાએ બિહારના ખગડિયા જિલ્લાના પસરહાના કોયલા ગામના કૌશલ કુમાર વિજેદર યાદવ, ગૌરવકુમાર વિકાસ યાદવ, સોનુકુમાર વિજેંદર યાદવને સોપારી આપી હતી.નારીયાએ અગાઉ મંજેરી ઘરથી ઓફિસ ક્યારેય આવજા કરે છે. ઉપરાંત ક્યાં ક્યાં જાય છે, કોને મળે છે તેની ઓક્ટોબર ૨૦૨૨થી રેકી કરવાનું શરૂ કર્યું હતું. આ પછી બિહારના શૂટરોને વાહન આપ્યું, મૃતકને બતાવ્યો હતો, એમ સિનિયર પીઆઈ તાનાજી ભગતે જણાવ્યું હતું. મંજેરી સામે સાંયમાં અમુક ગુના નોંધાયેલા છે. મુંબઈમાં તે કમિશન પર બાંધકામ પ્રોજેક્ટ લેતો હતો, એમ પણ તેમણે જણાવ્યું હતું.

દરમિયાન તાનાજી ભગતે જણાવ્યું કે, નારીયાની યોજના અનુસાર થોડા સમય પૂર્વે શૂટરોએ કચ્છના સાંયમાં પણ મંજેરીની હત્યા કરવાની યોજના બનાવી હોવાથી. જોકે મંજેરી ત્યાં કોળી સમાજથી સતત ઘેરાયેલો રહેતો હોવાથી ત્યાં હત્યાની યોજનાને અંજામ આપી શક્યા નહોતા. મંજેરી સાંયમાં કોળી સમાજને મદદ કરતો હતો. આથી તેઓ તેની પડખે બોડીગાર્ડની જેમ રહેતા હતા, જેથી શૂટરો કામને અંજામ આપી શક્યા નહોતા. આ પછી મુંબઈમાં ઠાર કરવાની યોજના બનાવી હતી. આ મુજબ ગત તા.૧૫ માર્ચે બે શખ્સો મોટરસાઈકલ પર આવ્યા અને મંજેરીને ધડાધડ ગોળી મારી ઠાર કરીને ભાગી ગયા હતા. પોલીસ ટીમે સીસીટીવી ફૂટેજ, મોટરસાઈકલનો નંબર પરથી તપાસ કરીને આરોપીઓનું પગેરું મેળવ્યું અને સૌપ્રથમ નારીયાની રાજકોટથી ધરપકડ કરી હતી, જે પછી બિહારથી ત્રણ શૂટરની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.