મહિલાએ મોબાઈલ પર વાત કરી પોલીસમાં ફરિયાદ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી દીધી ‘તી
મેંદરડાના એક યુવાનને હની ટ્રેપમાં ફસાવી, ગેરકાયદેસર અટકાયત કરી, રૂ. 10 લાખની ખંડણી માંગનાર એક મહિલા સહિતની ટોળકીને જૂનાગઢની લોકલ ક્રાઈમ બ્રાંચ તથા મેંદરડા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડી, પકડી પાડયા હતા. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લાના મેંદરડા ટાઉનમાં આવેલા સરદાર નગર વિસ્તારમાં રહેતા પરસોત્તમભાઈ બેચરભાઈ વઘાસીયાના દિકરા મનીષાભાઈના મોબાઇલ તથા એક અન્ય મોબાઈલ નંબર પરથી અજાણ્યા ઇસમ તથા કિરણ નામની મહિલા ફોન કરી રૂ. 10 લાખની માગણી કરતી હતી અને જો રૂપિયા નહીં આપે તો દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી.
તે અંગેની પરસોતમભાઈ વઘાસિયાએ પોલીસને ફરિયાદ કરતા યુવકના અપહરણ અને ખંડણી અંગેની આ ફરિયાદને ગંભીરતાથી લઈ જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જુનાગઢ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.આઈ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, મેંદરડા પી.એસ.આઇ કે.એમ. મોરી તથા ક્રાઇમ બ્રાન્ચ અને મેંદરડા પોલીસની જુદી જુદી ટીમો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફરિયાદી પરસોતમભાઈ વઘાસીયાને મેંદરડા પોલીસે પોલીસ સ્ટેશન બોલાવી, ફરિયાદીના દીકરાને મોબાઇલ ફોનમાંથી ફોન કરનાર આરોપી સાથે વાત કરાવી, ફરિયાદીના દીકરાને મુક્ત કરવા માગણી કરવામાં આવેલ તથા રકમની વ્યવસ્થા થઈ ગયેલ હોવાની આરોપીઓને બાહેંધરી અપાવી, આરોપીના કહ્યા અનુસાર પરસોતમભાઈ વઘાસીયાને રોકડ રકમ ભરેલ બેગ સાથે જૂનાગઢના વાડલા ફાટક નજીક ઉભા રખાવી, ફરિયાદીની આસપાસમાં ક્રાઈમ બ્રાન્ચ તથા મેંદરડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સિવિલ ડ્રેસમાં અલગ અલગ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યો હતો અને જ્યારે આરોપીઓ કાર તથા મોટરસાયકલ લઈ ભોગ બનનારને લઈને આવતાં જ પોલીસ દ્વારા આરોપીઓને કોર્ડન કરી, તમામ આરોપીઓને રંગે હાથે પકડી લઈ, યુવાનને મુક્ત કરાવી, તમામ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે મેંદરડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, મેંદરડાના યુવકને બંધી બનાવી રૂ. 10 લાખની માંગ કરનાર મહિલા આરોપી એવી જૂનાગઢની બીએસએનએલ ઓફિસની સામે રહેતી કિરણ હિતેશભાઈ હીરાભાઈ કટારીયા (ઉં.વ. 29) ની સાથે કેશોદના ગાંધી સોસાયટીમાં રહેતો ભાવેશ ઉર્ફે ભાવિન ગાંગાભાઈ દાસા (ઉં.વ. 24) રાજકોટના આજી ડેમ ચોક ખાતે રહેતો પરેશ મંછારામ દેવમુરારી તથા જૂનાગઢના મજેવડી ગામનો દિનેશ ઉર્ફે દિયો અમૃતભાઈ ઠેસિયા (ઉં.વ.32) સામે ગેરકાયદેસર અપહરણ કરી, ખંડણી માંગવા સહિતના ગુના અંગે મેંદરડા પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઇ છે, તથા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તપાસમાં પકડાયેલા આરોપી પૈકી મહિલા દ્વારા પુરુષને પોતાની મોહજાળમાં ફસાવી ત્યારબાદ સાથેના ઈસમો અચાનક આવી જઈ ભોગ બનનાર પાસેથી રૂપિયા પડાવવાનું કાવતરું કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે પકડાયેલા શખ્સોને રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.