વેટનરી ડોકટરનું અપહરણ કરી ગેંગરેપ ગુજારી સળગાવી દેવાના કિસ્સાથી દેશમાં ઘેરા પ્રત્યાઘાત
હૈદરાબાદના સમશાબાદ ખાતે તાજેતરમાં ૨૭ વર્ષીય મહિલા વેટરનરી ડોકટરનો ગેંગ રેપ કરી કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવના ઘેરા પડઘા આખા દેશમાં પડ્યા છે. દરમિયાન પોલીસે આ કેસમાં બે ટ્રક ડ્રાઈવર અને તેમના બે હેલ્પર એમ કુલ ચાર શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી આરંભી છે.
પોલીસે જણાવ્યા મુજબ આરોપીઓ મહિલા વેટરનરી ડોકટરને થોડાપલી ટોલનાકા નજીક એક નિર્જન સ્થળે લઈ ગયા હતા. બુધવારે મોડી રાત્રે આ ઘટના બની હતી. આરોપીઓએ મહિલા વેટરનરી ડોકટર પર એક પછી એક બળાત્કાર કર્યો હતો. બળાત્કાર દરમિયાન મહિલા ચીસો ન પાડે તે માટે તેના મોઢે ડુચો મારવામાં આવ્યો હતો. દરમિયાન તેનું ગુંગણામણના કારણે મોત નિપજયું હતું. ત્યારબાદ આરોપીઓ યુવતીનો મૃતદેહ ટ્રકમાં નાખી સાદનગર લઈ ગયા હતા. જ્યાં નજીકના સ્થળે તેમણે મૃતદેહ ફેેંકી દીધો હતો.
આ કેસમાં પોલીસે મોહમદ આરીફ, સી.ચેનેકેશવલુ, જે.સીવા અને જે.નવીન નામના ચાર શખ્સોની ધરપકડ કરી છે. વધુ વિગતો મુજબ સમશાબાદ ટોલ પ્લાઝા નજીક યુવતી પોતાનું સ્કૂટર પાર્ક કરતી હતી તે દરમિયાન ચારેય આરોપીઓ ત્યાં હાજર હતા. યુવતીએ તે સ્થળે સ્કૂટર પાર્ક કરી ટેકસીમાં ક્યાંક ગઈ હતી ત્યારબાદ જ્યારે રાત્રે ૯ કલાકે તે પરત ફરી ત્યારે સ્કૂટરનું ટાયર પંચર હતું. આ ટાયર પંચર કરવાનું કાવતરું આરોપીઓ દ્વારા ઘડાયું હોવાનું માનવામાં આવે છે. ટાયર પંચર હોવાથી આરોપીઓએ યુવતીને મદદ કરવાની ઓફર કરી હતી. જેમાં એક શખ્સ સ્કૂટરનું ટાયર રીપેરીંગ કરવા બાબતે સ્કૂટર દૂર લઈ ગયો હતો. જ્યારે બાકીના ત્રણેય શખ્સોએ મહિલાને નિર્જન સ્થળે લઈ ગયા હતા. આ ઘટના ૯:૩૦થી ૧૦:૦૦ દરમિયાન બની હતી.
યુવતીના બળાત્કાર બાદ હત્યા નિપજાવી તેના મૃતદેહને ઠેકાણે પાડવા પ્રયાસ થયો હતો. આરોપીઓએ હાઈવે પરના પેટ્રોલપંપેથી પેટ્રોલ અને ડિઝલ એમ બન્ને ખરીદ્યુ હતું. ત્યારબાદ નિર્જન સ્થળે જઈ લાશને સળગાવી દીધી હતી. આ કેસના ઘેરા પડઘા સમગ્ર દેશમાં પડયા છે.