ખંભે હાથ મૂકવા જેવી નજીવી બાબતે ધીંગાણું ખેલાતા વિદ્યાર્થીઓમાં નાશભાગ: સામ-સામે નોંધાતા ગુના, મારામારીમાં ત્રણ ઘવાયા
શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા લુખ્ખાગીરીની ઘટનાઓમાં વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેરમાં યાજ્ઞીક રોડ પર આવેલી ડીએચ કોલેજમાં બે મિત્રો વચ્ચે બોલાચાલી બાદ સામસામે મારામારી થતા બેથી ત્રણ લોકો ઘવાયા હતા. જૂથ અથડામણના પ્રશ્ર્ને હાજર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા એ ડીવીઝન પોલીસે ઘટનાની નોંધ લઈ ચાર શખ્સોની ધરપકડ કરી છે.
આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યાજ્ઞીક રોડ પર આવેલી કોટક સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતો કુલદિપસિંહ મનોહરસિંહ ઝાલા અને દેવાંગ ઠુંગા વચ્ચે ખંભે હાથ રાખવાની બાબતે બોલાચાલી થઈ હતી. ત્યાબાદ બંને કોલેજ બાદ ફરી સામે આવતા તણખલા ઉડ્યા હતા ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતા કુલદિપસિંહ અને દેવાંગે ફોન કરી પોતાના મિત્રોને બોલાવ્યા હતા. બંને પક્ષેથી દશ દશ જેટલા શખ્સો ઘાતક હથીયાર સાથે આવી પહોચ્યા હતા અને ધોકા પાઈપ વડે સામસામે તૂટી પડતા બે લોકો ઘવાયા હતા.
ડીએચ કોલેજના ગ્રાઉન્ડમાં જૂથ અથડામણ થતા ગરાસીયા બોડીંગમાં રહેતા પુષ્પરાજસિંહ ગુલાબસિંહ પરમાર નામના ૧૮ વર્ષિય યુવાનને ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયારે સામાપક્ષે દેવાંગ ઠુંગા અને નિલેશ સાંગડીયાને ઈજા થઈ હતી.
પડધરીના ખોખરી ગામના વતની અને ગરાસીયા બોડીંગમાં રહી કોલેજમાં અભ્યાસ કરતા પુષ્પરાજસિંહ ભરતસિંહ જાડેજાની ફરિયાદ પરથી એ. ડીવીઝન પોલીસે દેવાંગ ઠુંગા અને તેના આઠથી નવ જેટલા સાગરીતો સામે લોખંડ અને પ્લાસ્ટિકના પાઈપથી ખૂની હુમલો કર્યા અંગેનો ગુનો નોંધ્યો છે.
જયારે જાગનાથ પ્લોટ ૨૩માં રહેતા નિલેશ રણછોડ સાગડીયા નામના ભરવાડ યુવાનની ફરિયાદ પરથી પુષ્પરાજસિંહ, કુલદિપસિંહ અને આઠ જેટલા સાગરીતો સામે હર્ષ અને રોહિતને પાઈપથી મારમાર્યા અંગેનો ગુનો નોંધી પીઆઈ એન.કે. જાડેજા અને રાઈટર રણજીતસિંહ ઝાલા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતા એ. ડીવીઝન પોલીસ મથકના પીઆઈ નવલસિંહ જાડેજા તથા પીએસઆઈ રામાનૂજ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ફરિયાદ પરથી મૂળ ટંકારાના અને અહીંયા ગરાસીયા બોડીંગમાં રહેતો કુલદિપસિંહ મનોજસિંહ ગુલાબસિંહ પરમાર, ધાંગધ્રા નજીક રહેતો સિધ્ધરાજસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા અને ગઢવા નજીક રહેતો યુવરાજસિંહ વાસુદેવસિંહ ગોહિલ નામના ચારેય શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.