શહેરમાં ખાખીનો ખોફ ઓસળિયો હોય તેમ લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. કાલાવડ રોડ પર આવેલી ક્રિસ્ટલ બોલ નજીક પાનની દુકાનમાં ચાર આવારા તત્વો એ ધોકા અને છરી વડે રોફ જમાવી દુકાનદાર પર હુમલો કર્યો હતો અને દુકાનમાં તોડફોડ મચાવી હતી. જે મામલે સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં તાલુકા પોલીસે ચાર શખસો સામે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ ચારેય ઓળખ મેળવી તેની ધરપકડ કરી છે.
બનાવની મળતી માહિતી મુજબ કાલાવ રોડ પર નજીક એમ.જે હોસ્ટેલની સામે આવેલ પાનની દુકાનમાં ગઈકાલે રાત્રિના સમયે ચાર લુખ્ખા તત્વોએ તોડફોડ મચાવી દુકાનદાર પર ધોકા અને છરી વળે હુમલો કર્યો હતો જે મામલે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તાલુકા પોલીસે તુરંત જ કાર્યવાહી હાથ ધરી ચાર શખ્સો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી જે મામલે તપાસ કરતા પોલીસને એમ જે હોસ્ટેલમાં રહેતા ચેતન નામનો શખ્સ હોવાનું જાણવા મળતાં તેની ધરપકડ કરી છે. પોલીસે તેની પૂછતા જ કરતા તેની સાથેના ત્રણ શખ્સો બહારગામ થી આવ્યા હોવાનું તેને જણાવ્યું હતું જેથી પોલીસે તેઓની શોધખોળ કરી તેમની પણ ધરપકડ કરી છે. દુકાનદારે સામાન ના પૈસા માંગ્યા હોવાથી ચારેય શખ્સોએ તેની સાથે ઝઘડો કરી ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.