દંપતી વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરાવવા બંને પક્ષને ધમકાવ્યા: કાર અને મોબાઈલ કબજે
મોરબીના એક બિલ્ડરના પુત્રનું લગ્નજીવન બરાબર ચાલતું ન હોવાથી બિલ્ડરે જ્ઞાતિના આગેવાનને દીકરી પક્ષે સમાધાન કરાવી પુત્રવધુને પરત લાવવા કહ્યું હતું. જોકે જ્ઞાતિના આગેવાને ટંકારાના ત્રણ શખ્સ સાથે મળી કાવતરું રચી સમાધાન ન કરાવી રૂ.૧.૦૨ કરોડ ખંખેરી લીધા હતા. આનાથી સંતોષ ન થતા આ શખ્સોએ ફરિયાદીના પુત્રવધુને પિસ્તોલ બતાવી પરાણે છુટાછેડા કરાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં એલસીબીએ ટંકારાના જબલપુર ગામના કહેવાતા ડોન સહિત ૪ આરોપીઓને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ.૫ લાખની એક કાર મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.
મોરબીના વાવડી રોડ પર આવેલી કારિયા સોસાયટીમાં રહેતા બિલ્ડર દુદાભાઈ ધનજીભાઈ મેવાડાના પુત્ર જીવણને તેની પત્ની છાયાબેન સાથે મનમેળ ન હોવાથી અવાર-નવાર ઝઘડા થતા છાયાબેન પિયર જતા રહ્યા હતા. જોકે પિતા દુદાભાઈ પુત્રનો ઘર સંસાર ફરી વસાવવા માંગતા હોવાથી જ્ઞાતિના આગેવાન મનુભાઈ મેવાડાને જાણ કરી દીકરીવાળા તરફ સમાધાન કરાવવા જણાવ્યું હતું.
મનુભાઈએ ટંકારાના જબલપુર ગામના બાબુભાઈ ઉર્ફે બાબુ ડોન ઝાપડા પાસે ગયા હતા. આ શખ્સે સમાધાનના નામે રૂ.૧.૦૨ કરોડ રૂપિયા પડાવી લીધા હતા. જોકે બાદમાં સમાધાન કરાવી આપવાના બદલે છાયાબેનને પિસ્તોલ બતાવી હતી અને છાયાબેન કે જીવણભાઈને છુટાછેડા ન લેવા હોવા છતાં પરાણે છુટાછેડા કાગળ પર સહી લેવડાવી લીધી હતી. બાદમાં દુદાભાઈએ અગાઉ આપેલા રૂપિયા પરત માગતા આ શખ્સે કરશનભાઈ ભુવા, જગદીશ ઉર્ફે જગો કરશનભાઈ ઝાપડા સાથે મળી દુદાભાઈ અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
અવાર-નવાર મંદિરમાં દાન કરવાના નામે વધારાના ૨૨ લાખ રૂપિયા પણ માંગણી કરતા હોવાથી કંટાળી જઈ દુદાભાઈએ એલસીબીમાં લેખિત અરજી કરતા ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી. જેના આધારે એલસીબી સ્ટાફે બાબુ ડોન ઉર્ફે બાબુ ઝાપડા જગદીશ ઉર્ફે જગો કરસન ઝાપડા કરશન નાજાભાઈ ઝાપડા અને મનુભાઈ મેવાડાને ઝડપી લઈ અને તેમની પાસેથી કાર અને મોબાઈલ સહિતનો મુદામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.